Vibrant Gujarat Summitમાં આવેલા કેનેડાના હાઇ કમિશનરે ભારત અને કેનેડાના સંબંધો વિશે શું કહ્યું?
ગાંધીનગર: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના એક સેમિનારમાં સંબોધન કરતી વખતે કેનેડાના હાઇ કમિશનર કેમેરોન મેકેએ જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ સમિટ એ રોકાણકારોનો વાર્ષિક મેળાવડો છે. જે b2b એટલે કે વેપારથી વેપાર સુધી અને લોકોથી લોકો સુધી જોડવા માટેનું એક ઉત્તમ પ્લેટફોર્મ છે. 100થી વધુ ભારતની કંપનીઓએ કેનેડામાં રોકાણ કર્યું છે જ્યારે 600થી વધુ કેનેડાની કંપનીઓએ ભારતમાં ઉપસ્થિત છે. આમ, બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોમાં કોઇ તણાવ નથી.
‘ભારત-કેનેડા વેપાર: ભવિષ્યનો રસ્તો’ આ સેમીનારમાં સંબોધન કરતી વખતે તેમણે જણાવ્યું હતું કે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો થોડા સમય પહેલા વણસ્યા હતા. એ કોઇનાથી છુપૂં નથી. જો કે બંને દેશોના વેપારી સમુદાયના નેતૃત્વ અને દ્રષ્ટિ દ્વારા સતત વેપાર અને રોકાણના સંબંધો ચાલુ રાખવા માટે પ્રોત્સાહન મળી રહ્યું છે જે આપણા બંને દેશોના હિતમાં છે,” તેવું મેકેએ ઉમેર્યું હતું.
ગત વર્ષે, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમના દેશમાં ખાલિસ્તાની અલગતાવાદી અને આતંકવાદી જાહેર થયેલા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની શંકાસ્પદ ભૂમિકાનો આક્ષેપ કર્યા પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં થોડી તિરાડ પડી ગઇ હતી. ભારતે આ આરોપોને વાહિયાત ગણાવ્યા હતા.
આ ઉપરાંત પોતાની સ્પીચમાં તેમણે કહ્યું, “સરકાર જે કરી રહી છે તે તેમને કરવા દો. કેનેડા અને ભારત સરકાર તથા વેપારીઓને મારી અપીલ છે કે જે થઇ રહ્યું છે, તે થવા દો, સરકારને કૂટનીતિ કરવા દો. તમામ લોકો સમજે છે કે કેનેડા અને ભારતના વ્યૂહાત્મક હિતો એકસમાન છે. વેપારી સમુદાયે સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.” તેમ મેકેએ ઉમેર્યું હતું.