ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે બાળકો બીમાર પડવા મુદ્દે હર્ષ સંઘવીએ શું કહ્યું ?

રાજકોટ/ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 11 જાન્યુઆરીએ રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમની સમીક્ષા માટે તેઓ રાજકોટ આવ્યા હતા. જેમાં તેમણે ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે બાળકો બીમાર પડવા મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું.
શું બોલ્યા હર્ષ સંઘવી
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપતાં કહ્યું, જિલ્લા અને મહાનગરપાલિકા દ્વારા આ મામલે ટીમ બનાવવામાં આવી છે. અત્યારે સુધીમાં 367 જેટલા પાણીના ટેસ્ટ કરવામાં આવ્યા છે. પાણીથી બીમાર પડેલ દર્દીઓની સારવાર માટે 22 ડોક્ટરોની ટીમ બનાવવામાં આવી છે. હોસ્પિટલમાં સારવાર માટે આવેલ દર્દીઓ અને તેના સગા માટે ખાવા પીવા અને રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ હોસ્પિટલની સાથે જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ સાથે સંપર્કમાં છે. આજે સવારે પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જિલ્લા કલેક્ટર અને ડોક્ટરો સાથે વાત કરી છે. બધા દર્દીઓને પૂરતી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે
ગાંધીનગર શહેરના સેકટર ૨૪, ૨૮ અને આદિવાડા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન લીકેજના થવાના કારણે દૂષિત પાણીથી બાળકો અને નાગરિકોમાં ટાઇફોઇડના કેસ સામે આવ્યા છે. જે અંગે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, જિલ્લા કલેકટર તેમજ મ્યુનિસિપલ કમિશ્નર સાથે સતત સંપર્કમાં રહી, ચર્ચા કરી વર્તમાન પરિસ્થિતિ અંગે સંપૂર્ણ વિગતો મેળવી પ્રવર્તમાન પરિસ્થિતિ સામે યુદ્ધના ધોરણે કામગીરી કરવા સૂચના આપી હતી. શાહે લીકેજના તાત્કાલિક સમારકામ અને આ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિનો ફેલાવો વધુ ન થાય તે માટે આસપાસના વિસ્તારોમાં પણ પાઇપલાઇનની સઘન ચકાસણીના આદેશ આપ્યા હતા
ગાંધીનગરના જે વિસ્તારોમાંથી આ શંકાસ્પદ કેસો મળી આવ્યા છે તે સેક્ટર ૨૪, ૨૬ અને ૨૮ તથા આદીવાડામાં ૭૫ હેલ્થ ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. આ શંકાસ્પદ ટાઈફોડના ૧૧૩ કેસો અત્યાર સુધીમાં મળી આવ્યા છે અને સારવાર ગ્રસ્ત દર્દીઓમાંથી ૧૯ ને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. અન્ય ૯૪ દર્દીઓને ગાંધીનગર સિવિલ તેમજ સેક્ટર ૨૪ અને ૨૯ ના UHCમાં સારવાર અપાઈ રહી છે અને આ દર્દીઓની હાલત સ્થિર છે. અસર ગ્રસ્ત વિસ્તારોમાં ૨૪×૭ ઓપીડી શરૂ કરવામાં આવી છે .
ગાંધીનગર મહાનગરપાલિકાની સર્વેક્ષણ ટીમો દ્વારા અત્યાર સુધીમાં ૨૦,૮૦૦ થી વધુ ઘરોમાં સર્વે કરીને ૯૦ હજારથી વધુ વસ્તીને આવરી લીધી છે. રોગ અટકાયતના પગલાં તરીકે ૩૦૦૦૦ ક્લોરિન ટેબલેટ અને ૨૦,૬૦૦ ORS પેકેટ વિતરણ કરાયા છે. રોગચાળાના નિયંત્રણ માટે પાણીના સુપર ક્લોરીનેશનની કાર્યવાહી વેગવંતી બનાવવામાં આવી છે અને પાણીમાં ક્લોરીનેશનની માત્રા પણ તપાસવામાં આવે છે. આ ઉપરાંત મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં પાણીપુરી, રગડા પેટીસ, બરફ ગોળા, શિકંજી સોડા તથા દૂધની બનાવટના પીણાઓના વેચાણની પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે.



