પશ્ચિમ રેલવે ગુજરાતમાં દોડાવશે આ વધારાની ટ્રેન
અમદાવાદઃ રેલવે ઘણી સારી સુવિધા પૂરી પાડતી હોવા છતાં મુસાફરોની માગણીને સંતોષી શકતી નથી. આથી વિશેષ ટ્રેન વિશેષ ભાડાથી ચાલડી હોવા છતાં મુસાફરો મળી રહે છે. આવી જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતી બે વિશેષ ટ્રેન દોડાવવાની જાહેરાત રેલવેએ કરી છે.
મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવેએ સુરત-મહુવા અને સુરત-વેરાવળ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનો ખાસ ભાડા પર દોડશે, તેમ રેલવેએ જણાવ્યું હતું. તો જાણી લો વિગતો આ બે નવી ટ્રેનની.
આ ટ્રેન નંબર 09111/09112 સુરત-મહુવા દ્વિ-સાપ્તાહિક વિશેષની 34 ટ્રીપ્સ દોડશે.
આ ટ્રેન સુરતથી દર બુધવાર અને શુક્રવારે 22.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 09.10 કલાકે મહુવા પહોંચશે. આ ટ્રેન 06 ડિસેમ્બર, 2023 થી 31 જાન્યુઆરી, 2024 સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર 09112 મહુવા-સુરત દ્વિ-સાપ્તાહિક વિશેષ દર ગુરુવાર અને શનિવારે મહુવાથી 13.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 02.30 કલાકે સુરત પહોંચશે. આ ટ્રેન 07 ડિસેમ્બર, 2023 થી 01 ફેબ્રુઆરી, 2024 સુધી ચાલશે. આ ટ્રેન વડોદરા, અમદાવાદ, ગાંધીગ્રામ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, નિંગાળા, ધોળા, ધાસા, દામનગર, લીલીયા મોતા, સાવરકુંડલા અને રાજુલા સ્ટેશને બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર, સ્લીપર ક્લાસ, સેકન્ડ ક્લાસ સીટિંગ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ છે.
બીજી ટ્રેન ટ્રેન નંબર 09017/09018 સુરત-વેરાવળ સાપ્તાહિક છે, જેની 16 ટ્રીપ્સ છે.
આ વીકલી સ્પેશિયલ સુરતથી દર સોમવારે 19.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 08.05 કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેન 11 ડિસેમ્બર, 2023 થી 29 જાન્યુઆરી, 2024 સુધી ચાલશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09018 વેરાવળ-સુરત વીકલી સ્પેશિયલ વેરાવળથી દર મંગળવારે 11.05 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.45 કલાકે સુરત પહોંચશે. આ ટ્રેન 12 ડિસેમ્બર 2023 થી 30 જાન્યુઆરી 2024 સુધી ચાલશે. આ ટ્રેન વડોદરા, અમદાવાદ, રાજકોટ, ગોંડલ, જેતલસર, જૂનાગઢ, કેશોદ અને માળીયા હાટીના સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર, સ્લીપર ક્લાસ, સેકન્ડ ક્લાસ સીટિંગ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ છે. બન્ને ટ્રેનની બુકિંગ ચાલુ થઈ ગઈ છે, તેવી માહિતી રેલવેએ આપી છે.