ગુડ ન્યૂઝ: સુરત અને વડોદરા થઈને જશે નવી સુપરફાસ્ટ ટ્રેનો, વેકેશનમાં પ્રવાસ માટે રેલવેનું મોટું આયોજન…

અમદાવાદ-મુંબઈ: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને મુંબઈ સેન્ટ્રલ – નવી દિલ્હી અને બાંદ્રા ટર્મિનસ – અમૃતસર વચ્ચે બે જોડી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ટ્રેનો શરૂ થવાથી ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોના મુસાફરોની સફર વધુ સરળ અને આરામદાયક બનશે. આ ટ્રેનો માટે ટિકિટ બુકિંગ આજથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે.
મુંબઈ સેન્ટ્રલ – નવી દિલ્હી સુપરફાસ્ટ સ્પેશિયલ (ટ્રેન નં. 04001/04002) કુલ 8 ફેરા લગાવશે. ટ્રેન નંબર 04001 મુંબઈ સેન્ટ્રલથી રાત્રે 11.30 કલાકે ઉપડી બીજા દિવસે રાત્રે 08.50 કલાકે નવી દિલ્હી પહોંચશે, જે 21, 24, 27 અને 30 ડિસેમ્બરે ચલાવવામાં આવશે. પરતમાં ટ્રેન નંબર 04002 નવી દિલ્હીથી રાત્રે 10.40 કલાકે ઉપડી બીજા દિવસે રાત્રે 09.00 કલાકે મુંબઈ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, સુરત, વડોદરા, ગોધરા, રતલામ, કોટા અને મથુરા જેવા મહત્વના સ્ટેશનો પર ઉભી રહેશે.

બીજી તરફ, બાંદ્રા ટર્મિનસ – અમૃતસર સુપરફાસ્ટ સ્પેશિયલ (ટ્રેન નં. 04695/04696) 4 ફેરા મારશે. ટ્રેન નંબર 04695 બાંદ્રા ટર્મિનસથી બપોરે 02.00 કલાકે ઉપડી બીજા દિવસે રાત્રે 08.30 કલાકે અમૃતસર પહોંચશે, જે 24 અને 28 ડિસેમ્બરે દોડશે. જ્યારે અમૃતસરથી બાંદ્રા આવતી ટ્રેન 23 અને 27 ડિસેમ્બરે ઉપડશે. આ ટ્રેન વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, ગોધરા અને દાહોદ સહિતના સ્ટેશનો પર રોકાશે, જેનાથી મધ્ય અને દક્ષિણ ગુજરાતના મુસાફરોને મોટો ફાયદો થશે. આ બંને ટ્રેનોમાં ફર્સ્ટ એસી, એસી ટાયર-2, ટાયર-3, સ્લીપર અને જનરલ કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે.
ગુજરાતની આ ટ્રેનના નંબરમાં ફેરફાર
રેલવે દ્વારા ગાંધીધામ-કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ અને જોધપુર-કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસને ‘સુપરફાસ્ટ એક્સપ્રેસ’ શ્રેણીમાં અપગ્રેડ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરફાર અંતર્ગત ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે, જેના પગલે તેમના જૂના નંબરોમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરી ૨૦૨૬થી અમલી બનનારા આ ફેરફાર મુજબ, ગાંધીધામ-કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ હવે ટ્રેન નંબર ૨૦૬૮૫/૨૦૬૮૬ તરીકે અને જોધપુર-કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ ટ્રેન નંબર ૨૦૬૯૩/૨૦૬૯૪ તરીકે દોડશે.
આ પણ વાંચો…નવા વર્ષ માટે પશ્ચિમ રેલવેની ભેટ: સાબરમતી-દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેનની જાહેરાત



