રાજકોટમાં વેસ્ટર્ન રેલવેનો નવતર પ્રયોગ, ટ્રેનના કોચની અંદર રેસ્ટોરાં ખોલી
રાજકોટમાં પશ્ચિમ રેલવે દ્વારા જૂના ટ્રેનના કોચને મલ્ટી ક્વિઝીન રેસ્ટોરાંમાં તબદીલ કરવાનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. શહેરના એસ્ટ્રોન ચોક વિસ્તાર પાસે રાજકોટ ડિવિઝન દ્વારા ‘ટ્રેકસાઇડ તડકા’ નામની રેસ્ટોરાં ખોલવામાં આવી છે. જે ખરેખર બિનકાર્યરત ટ્રેનના જૂના કોચને ફરી ઉપયોગમાં લાવવાનો પ્રયાસ છે.
રાજકોટ ડીવીઝન દ્વારા નોન-ફેર રેવન્યુ પોલીસી હેઠળ આ પહેલ કરવામાં આવી છે. રેલવે ડિવિઝનને રેલ કોચ રેસ્ટોરન્ટમાંથી રૂ.1.08 કરોડની આવક થવાની છે. રેસ્ટોરાં ઉભી કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં 5 વર્ષ માટે એક ખાનગી કંપનીને સ્લીપર કોચ તથા એસ્ટ્રો ચોક વિસ્તારની કેટલીક જગ્યા ફાળવવામાં આવી છે.
‘ટ્રેકસાઇડ તડકા’માં લોકો ટ્રેનની મુસાફરીના અહેસાસ સાથે સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ માણી શકશે. રેસ્ટોરાની અંદરનું ઇન્ટિરીયર સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. રેસ્ટોરાંની અંદર અલગ અલગ સેક્શન છે. ‘ટ્રેકસાઇડ બ્રૂ અને લોકો લોન્જ’માં અલગ અલગ પ્રકારની કોફી-પીણાંનો સ્વાદ પણ લોકો માણી શકશે.