રેલવે મુસાફરો માટે સારા સમાચાર: મુંબઈ, ગુજરાત અને રાજસ્થાન વચ્ચે દોડતી 3 સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવાયા…

અમદાવાદઃ પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને અને તેમની સુવિધા અર્થે બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી, બાંદ્રા ટર્મિનસ-અજમેર અને વલસાડ-હિસાર વચ્ચે ચાલતી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો લાભ મુંબઈથી ગુજરાત, રાજસ્થાન તરફની મુસાફરી કરતાં મુસાફરોને મળી રહેવાનો છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, ટ્રેન નંબર 04828 બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી સાપ્તાહિક સ્પેશિયલ હવે 29 માર્ચ, 2026 સુધી અને વળતી ટ્રેન નંબર 04827 ભગત કી કોઠી-બાંદ્રા ટર્મિનસ 28 માર્ચ, 2026 સુધી કાર્યરત રહેશે.
આ જ રીતે, બાંદ્રા ટર્મિનસ-અજમેર સાપ્તાહિક સ્પેશિયલ (09622) ના ફેરા 30 માર્ચ, 2026 સુધી અને અજમેર-બાંદ્રા ટર્મિનસ (09621) ના ફેરા 29 માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના મુસાફરો માટે મહત્વની એવી વલસાડ-હિસાર સાપ્તાહિક સ્પેશિયલ (04728) હવે 26 માર્ચ, 2026 સુધી દોડશે, જ્યારે હિસાર-વલસાડ ટર્મિનસ (04727) ને 25 માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવી છે. આ નિર્ણયથી આગામી સમયમાં મુસાફરી કરનારા હજારો મુસાફરોને રાહત મળશે અને ટિકિટ બુકિંગમાં સરળતા રહેશે.

ઉલ્લેખનીય છે કે આ સાથે જ રેલવે દ્વારા ઓખા–ભાવનગર–ઓખા એક્સપ્રેસ (19210/19209) ટ્રેનોમાં ચાર મહિના માટે એક વધારાનો થર્ડ એસી કોચ જોડવાનો નિર્ણય લીધો છે. આ વધારાની સુવિધા ઓખા તરફથી 6 ફેબ્રુઆરી 2026 થી 1 જૂન 2026 અને ભાવનગર તરફથી 5 ફેબ્રુઆરી 2026 થી 31 મે 2026 સુધી ઉપલબ્ધ રહેશે.
રેલ્વેના રાજકોટ ડિવિઝન નવા ફૂટ ઓવર બ્રિજ નિર્માણ કાર્યને કારણે લાખાબાવળ અને પીપળી સ્ટેશનો પર કેટલીક ટ્રેનોના સ્ટોપેજ અસ્થાયી રૂપે રદ્દ કરવામાં આવ્યા છે. જેમાં લાખાબાવળ સ્ટેશન પર ટ્રેન 19209/19210 ભાવનગર–ઓખા–ભાવનગર એક્સપ્રેસ તેમજ ટ્રેન 59552/59551 ઓખા–રાજકોટ–ઓખા લોકલના સ્ટોપેજને 25.02.2026 સુધી રદ્દ કરવામાં આવ્યા છે. તેમજ પીપળી સ્ટેશન પર ટ્રેન 19210 ઓખા–ભાવનગર એક્સપ્રેસનો સ્ટોપેજ 25.03.2026 સુધી રદ્દ કરી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો…રેલવે બજેટ: ગુજરાત માટે રૂ. 17,366 કરોડની ઐતિહાસિક ફાળવણી, જાણો શું બદલાશે?



