જમણવાર બાદ વર-કન્યા સહિત 55 લોકોને ફૂડ પોઇઝનિંગ, વતનને બદલે જાન હોસ્પિટલ પહોંચી

અમદાવાદ: નિકોલ વિસ્તારમાં યોજાયેલા એક લગ્નપ્રસંગમાં રાત્રિના જમણવાર બાદ જ્યારે જાન અમદાવાદથી પરત રાજપીપળા ફરી રહી હતી તે સમયે અચાનક જ વર કન્યા સહિત તમામ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગની અસર થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. તમામ 55 જાનૈયાઓ નડિયાદ પાસેની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મળતી માહિતી મુજબ, જમણવાર બાદ જાન અમદાવાદથી વળાવી દેવામાં આવી હતી અને બસ જ્યારે નડિયાદ પાસે પહોંચી તે સમયે ઓચિંતા જ જાનૈયાઓને પેટમાં દુ:ખાવો શરૂ થયો હતો. એ પછી તેમને નડિયાદની નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી દેવામાં આવ્યા હતા. બીજી તરફ કન્યા પક્ષના પાંચ લોકોને પણ ફૂડ પોઇઝનિંગની અસર જોવા મળતા તેમને મણિનગરની એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એલ.જી હોસ્પિટલના સુપરિટેન્ડન્ટે આપેલી માહિતી મુજબ મોડીરાત્રે પાંચ લોકોને ફૂડ પોઇઝનિંગની અસરને પગલે દાખલ કરવામાં આવ્યા હતા. નિકોલ વિસ્તારમાં લગ્નપ્રસંગને કારણે તેમની તબિયત બગડી હતી. હાલ તમામની હાલત સ્થિર છે.
સારવાર લઇ રહેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે બસમાં જ બધાને ઝાડાં-ઉલટી તથા પેટમાં દુખાવો શરૂ થઇ જતા 108ની મદદ લઇને તમામને રાત્રે 1 વાગ્યે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. કુલ 55 જાનૈયાઓને 3 એમ્બ્યુલન્સની મદદ લઇને સારવાર માટે પહોંચાડ્યા હતા. જમણવારમાં પંજાબી ફૂડ, ચાઇનીઝ હતું તેમજ વેલકમ ડ્રિંકમાં પાઇનેપલ મિલ્કશેક હતો, જેને કારણે તબિયત લથડી હોવાનું લાગી રહ્યું છે.