Gujarat Weather: “હજુ પણ ઠંડી માટે રહેજો તૈયાર” હવામાન વિભાગની આગાહી
અમદાવાદ: સમગ્ર ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમ વર્ષાને પગલે તેની સીધી અસર ભારતના મેદાની પ્રદેશમાં જોવા મળી રહી છે. આ દરમિયાન ગુજરાતમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી સમગ્ર રાજ્યમાં ઠંડી પડી રહી છે. જો ke આગામી દિવસોમાં પણ આ ઠંડીમાં કોઇ વિશેષ રાહત થાય તેવ સંકેતો દેખાતા નથી. હજુ પણ પાંચ દિવસ સુધી ગુજરાતમાં આકરી ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે.
નલિયામાં 6.8 ડિગ્રી
સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે ફૂંકાયેલા ઠંડા પવનોને કારણે હાડ થિજવતી ઠંડીનો અનુભવ થયો હતો. ત્યારે ઉત્તરાયણના બીજા દિવસે પણ ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાય રહ્યા હોય ઠંડીના પ્રમાણમાં કોઇ વિશેષ અંતર જોવા મળ્યું નથી. ઉત્તરાયણના તહેવારમાં ગુજરાતમાં લઘુતમ તાપમાન 6.8 ડિગ્રીથી લઈને 17.5 ડિગ્રી જેટલું નોંધાયું હતું. કચ્છના નલિયામાં લઘુતમ તાપમાન ઘટીને 6.8 ડિગ્રીની સપાટીએ પહોંચ્યું હતું.
કેવું રહેશે ગુજરાતનું હવામાન?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી રાજ્યનું હવામાન શુષ્ક રહેશે. આજથી લઘુત્તમ તાપમાન બે ત્રણ ડિગ્રીનો ઘટાડો થાય તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વની દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે. અમદાવાદમાં આજે 14 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી આપવામાં આવી છે.
Also read: નલિયા ઠુઠવાયુંઃ ગુજરાતમાં ઠંડીની ઝપેટમાં ગુજરાત, હજુ ઠંડીની આગાહી
દિલ્હીમાં વિકટ પરિસ્થિતિ
આ દરમિયાન દિલ્લી-એનસીઆરમાં પણ આકરી ઠંડીનો દોર યથાવત છે. રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસનો પ્રકોપ પણ જોવા મળી રહ્યો છે. બુધવારે દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબઇલિટી શૂન્ય થઈ ગઈ હતી. જેના કારણે રસ્તાઓ પર પણ કઈ દેખાઈ રહ્યું નથી. દિલ્હીની પરિસ્થિતિ એવી છે કે 10 મીટરના અંતરનું પણ જોવા મળી રહ્યું નથી. જેના પરિણામે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. ગાઢ ધુમ્મસના કારણે અનેક ટ્રેનોને પણ બ્રેક લાગી ગઈ છે. તે ઉપરાંત વિમાની સેવામાં પણ વિલંબ થયો છે.