અંબાલાલની વાત સાચી પડી, વરસાદે ફરી વડોદરાને વિખેર્યું, ચારના મોત

અમદાવાદઃ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વડોદરા સહિત ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે હવામાન ખાતાએ પણ અમુક જિલ્લામાં બારે વરસાદની આગાહી કરી છે ત્યારે તેમનો વરતારો સાચો પડ્યો છે અને ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી વિનાશ વેરાયો છે.
ગયા રાઉન્ડમાં વરસાદે વડોદરાને ધમરોળ્યું હતું ત્યારે ગઈકાલથી ફરી અહીં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો હતો. વડોદરામાં ગઈકાલે બુધવારે થયેલા વરસાદમાં ચાર જણાના જીવ ગયા છે. ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ ઝાડ પડ્યાં હતા અને અનેક જગ્યાએ વિજળી પડવાની ઘટના બની હતી. જેમાં વડોદરામાં ગઇકાલે મોડી સાંજે 110 કિમીની ઝડપે પવન ફૂંકાતા 20 મિનિટમાં શહેર અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. આ દરમિયાન ચારના મોત 300થી વધુ વૃક્ષો, વીજપોલ અને હોર્ડિંગ ધરાશાયી થઈ ગયા હતા. 26મી ઓગસ્ટે 12 ઇંચ વરસાદથી 13નાં મોત અને 24મી જુલાઇએ વરસેલા 14 ઇંચ વરસાદે વડોદરાને ધમરોળ્યું હતું. ગઈકાલના વરસાદે લોકોના મનમાં ફરી ધ્રાસ્કો બેસાડી દીધો હતો.
આ પણ વાંચો : મુંબઈ બાદ હવે ગુજરાતનો વારો! ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં આટલા તાલુકામાં વરસાદ
ફાયર વિભાગના જણાવ્યા મુજબ સવારે છ વાગ્યા સુધીમાં 150 ઝાડ કટિંગની કામગીરી પૂર્ણ કરી છે. હજુ પણ શહેરમા એનેક જગ્યાએ ઝાડ પડેલા છે. અત્યાર સુધીમાં 14 કાર, 14 ટુ-વ્હીલર, એક રિક્ષા સહિત કુલ 29 વાહનોને નુકસાન થયું છે. ઐતિહાસિક કોઠી કચેરીની દિવાલ પડી જતા પાર્ક કરેલા ટુ-વ્હીલર્સ અને કાર દબાઈ હતી. જોકે સદનસીબે જાનહાનિ થઈ નહોતી.



