‘અમે કોઈ બોટકાંડના આરોપીઓના કેસ નહીં લડીએ’: વડોદરા વકીલ મંડળ
વડોદરા: વડોદરામાં હરણી લેકમાં થયેલી બોટ દુર્ઘટના રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ દર્દનાક બાદ રાજ્યમાં જેટલી જગ્યાએ પણ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ થઈ રહી છે, ત્યાં સ્થાનિક તંત્ર અને અધિકારીઓ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેની અસરને લઈને ઓખા-બેટ દ્વારકા ફેરી બોટમાં લાઇફ જેકેટ સહિતના સુરક્ષાના સાધનો ફરજિયાત કરી દેવાયા છે અને અમદાવાદ રિવારફ્રન્ટ ખાતે ચાલતી વોટર રાઈડ એક્ટિવિટી પણ બંધ કરી દેવામાં આવી છે. આ ઘટનાક્રમમાં વડોદરા વકીલ મંડળ તરફથી પણ મહત્વનુ કહી શકાય તેવું નિવેદાન બહાર આવ્યું છે. વકીલ મંડળ દ્વારા આજે જાહેર કરવામાં આવ્યું કે કોઈ પણ વકીલ આ હરણીકાંડના આરોપીઓ તરફથી કેસ નહીં લડશે.
આપને કોન્ટ્રાક્ટરની બેદરકારી અને તંત્રની ઉદાસીનતાથી આ હોનારતમાં 17 માસુમો મોતને ભેટ્યા છે. જોકે હવે આ કેસમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યાં છે. વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે ત્રણ શખસની અટકાયત કરી છે. મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો વિરુદ્ધમાં હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બેદરકારી તથા નિષ્કાળજી દાખવવા બદલ કોન્ટ્રાક્ટરના મેનેજર સહિત ૧૮ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર હોવાનું જણાવ્યું છે.પોલીસે હરણી લેક ઝોનના મેનેજર શાંતિલાલ સોલંકી અને બે બોટ ઓપરેટર નયન ગોહિલ તથા અંકિત ની એમ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હોવાનું ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું.
આ અંગે વડોદરા કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેરે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું હતુ કે હરણી લેકઝોન ખાતે 2017થી કામગીરીનો વર્કઓર્ડર મેસર્સ કોટિયા પ્રોજેક્ટને સોંપવામાં આવ્યો હતો. જેમાં જુદી-જુદી રાઇડ્સ, ખાણી-પીણી, બેન્ક્વેટ હોલ અને બોટિંગ જેવી આનંદ પ્રમોદની સુવિધા આપવામાં આવેલ છે. જેની સંપૂર્ણ જવાબદારી મેસર્સ કોટિયા પ્રોજેક્ટની છે.
ભોગ બનનાર માસૂમ બાળકોના વાલીઓ પણ ન્યુ સનરાઇઝ સ્કૂલના સંચાલકો સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, કેટલાક વાલીઓએ માગ કરી હતી કે શાળા સંચાલકો સામે પણ કાર્યવાહી થવી જોઇએ. શિક્ષકો જે સ્થળ પર હાજર હતા તેમણે પણ બાળકોની સલામતી અંગે જવાબદારી લેવાની જરૂર હતી. આ ગોઝારી દૂર્ઘટનાના પગલે વકીલ મંડળના સરાહનીય નિર્ણયને લોકો આવકારી રહ્યા છે.