અમે રોડ બ્લોક કર્યો, તમારાથી થઈ શું શકે?
આજરોજ રાજકોટ ખાતે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા તેના પરિણામ સ્વરૂપ મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન 150 ફૂટ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે કરવામાં આવ્યું. ગુજરાતમાં એક સાથે 26 મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ રાષ્ટ્રીય નેતા જેપી નડ્ડા, ગુજરાત અધ્યક્ષ સી આર પાટીલ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિગેરે નેતાઓએ વર્ચ્યુઅલી ઓપનિંગ કર્યું હતું. જે બુથમાં ગઈ લોકસભા દરમિયાન મતોની ખાદ પડી હતી તે તમામ મત બુથોમાં આ વખતે ખાધ ન પડે તે માટેની સૂચના આપવામાં આવી અને દરેક બેઠક પાંચ લાખથી વધારે લીડ થી જીતવા કાર્યકરોને જોશ અને ઉત્સાહ ભરવામાં આવ્યો.
જેમના નામ પર ચૂંટણી જીતી શકાય અને જીતવાની જ છે તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રજાની આટલી તકેદારી રાખે છે અને વારંવાર કહે છે કે તે દુઃખી ન થવા જોઈએ અને તે માટેના તેમના પ્રયત્નો હોય છે. પરંતુ નીચેના લેવલે તેમના આ ગુણોને અને તેમની મહેનતને ઘોળીને પી જવામાં આવે છે. મોદી સાહેબના નામના સહારે ચાલતા નેતાઓ ભૂલી જાય છે કે પ્રજા હેરાન થઈ છે તેવું જો મોદી સાહેબ સુધી ખબર પડે તો કેટલો ઠપકો સાંભળવો પડશે પરંતુ અહીં કોઈ લાજતું નથી. કાર્યાલયનું ઓપનિંગ થયું સારી વાત છે. અત્યારથી માહોલ બને અને મહેનત થાય તો પરિણામ સારું આવે. શાંતિથી રીબીન કાપી અને નેતાઓએ ઓપનિંગ કરી નાખ્યું હોત તો વાંધો નથી. પરંતુ અહીં તો એક સાઈડનો રોડ બ્લોક કરી અને માંડવા મંડપ નાખી ભાષણ બાજી પણ થઈ. બરાબર એવા સમયે જ્યારે લોકો નોકરી ધંધા ઉપર જતા હોય અને અત્યંત વ્યસ્ત રોડ એક બાજુ બંધ કરી દો તો કેમ ચાલે? પરંતુ સત્તાધારી પક્ષ છે અને આપણે જ ખોબે ખોબે મત આપ્યા છે. પોલીસ પરમિશન લેવાની સામાન્ય પ્રજાએ જરૂર હોય સત્તાધારી પક્ષે નહીં. આ સંદર્ભે જો એવું કહેવામાં આવે કે અમે મંજૂરી લીધી હતી તો પ્રશ્ન એ પણ થાય કે આખો રોડ બ્લોક કરવાની પરમિશન પોલીસ તંત્ર કઈ રીતે આપી શકે કાલ સવારે કોઈ બીજો પક્ષ પણ માગશે કે કોઈ સંસ્થા આવી રીતે રોડ બંધ કરી અને પોતાનો કાર્યક્રમ કરશે તો શું તમે તેને મંજૂરી આપશો?
મીડિયા દ્વારા પ્રમુખ મુકેશ દોશી ને પૂછતા બહુ પ્રેમથી તેમને જણાવી દીધું હતું કે એ બધું યોગ્ય જ થયું છે થોડુંક મેળવવું હોય તો થોડુંક ગુમાવવું પણ પડે. નરેન્દ્ર મોદી 24 કલાક કામ કરે છે. લોકોનો સુર એવો હતો કે પ્રમુખશ્રી સત્તાના મદ માં એ પ્રજાને ભૂલી ગઈ છે જે પ્રજાએ તેમને મત આપ્યા છે. ઇલેક્ટ્રોનિક મીડિયાએ આવતા જતા રાહદારીઓના ઇન્ટરવ્યૂ લેતા તમામ લોકો નારાજ હતા. અયોધ્યામાં રામ ભગવાનની પુનઃ પધરામણી માટે જે ભાજપને લોકોએ વધાવ્યો તે જ ભાજપને બીજે દિવસે સવારે તેમના આવા પ્રજાને હેરાન કરતા નિર્ણયને કારણે લોકોએ ટીકાઓનો વરસાદ પણ વરસાવ્યો.
સત્તાધારી પક્ષના સત્તાધારી લોકોને એટલું જ કહેવાનું કે સત્તા પરથી ઉતરી જવાય છે પછી લોકો જુના કૃતિઓને યાદ કરી અને બોલાવવાનો પણ બંધ કરી દે છે જે તમારા પક્ષમાં ઘણા નેતાઓ અનુભવી રહ્યા છે તે ભુલવું ન જોઈએ.
ભારતીય જનતા પક્ષ જ્યારે સત્તા માટે સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે તેમના નેતાઓ કે કાર્યકરોમાં જે વિનમ્રતા હતી તે લુપ્ત થઈ રહ્યાનું લોકો અનુભવી રહ્યા છે.
વિપક્ષ મૃતપ્રાય સ્થિતિમાં હોય કોઈ પ્રશ્ન કરવા વાળું રહ્યું નથી પ્રજા બિચારી બે છેડા ભેગા કરવામાં થી નવરી થાય તો પ્રશ્ન કરે.
કાર્યાલય નું ઉદઘાટન સાદગી પૂર્ણ કરી અને કોઈ મોટા મેદાનમાં જાહેર સભા કરી નાખી હોત તો ચાલત તેવું લોકો ચર્ચી રહ્યા છે.