આપણું ગુજરાતનેશનલ

Good bye 2023: શહેરોની પોલીસે ક્રિએટિવ ટ્વીટ્સ દ્વારા આપ્યો આ સંદેશ

અમદાવાદઃ આજે 31મી ડિસેમ્બરની રાત્રે વર્ષ 2023ને આવજો કહેવા અને નવા વર્ષ 2024ને આવકારવા લોકો થનગની રહ્યા છે. ઠેર ઠેર આયોજનો થયા છે અને લોકો ખૂબ જ મોટી સંખ્યામાં જાહેર સ્થળો બહાર પણ એકઠા થઈ રાત્રે બાર વાગ્યે સેલિબ્રેશન કરે છે અને નવા વર્ષની ઉજવણી કરે છે. જોકે લોકોની આ ઉજવણી પોલીસ ખાતા માટે પડકાર બની જાય છે. ત્યારે દિલ્હી, મુંબઈ, અમદાવાદની પોલીસે ટ્વીટર પર લોકોને નિયમોનું પાલન કરવા સલાહ આપી છે. જોકે તેઓ જાણે છે કે આજના યુવાનો સોશિયલ મીડિયાથી લગભગ એડિક્ટ છે અને તેમને સોશિયલ મીડિયા ખૂબ પ્રભાવિત કરે છે, તેમણે પણ ટ્વીટર પર ક્રિએટીવ ટ્વીટ્સ દ્વારા લોકોને સંદેશાઓ પાઠવ્યા છે.

અમદાવાદ પોલીસે ટ્વીટ કરી લોકોને અપીલ કરી છે ત્યારે તેમની ક્રિએટીવ ટ્વીટે સૌનુ ધ્યાન દોર્યુ છે. તો બીજી બાજુ દિલ્હી પોલીસે પણ ફિલ્મોનો સહારો લઈને ટ્વીટ કર્યું છે જે લોકોના ધ્યાનમાં આવી રહ્યું છે. મુંબઈ પોલીસની અપીલ પણ ધ્યાન ખેંચે તેવી છે. રાજધાની દિલ્હીથી માંડી દેશના તમામ મોટા શહેરોમાં પોલીસ ખાસ બંદોબસ્ત રાખી રહી છે. ગુજરાતમા આમ તો દારૂ બંધી હોવા છતાં આ દિવસે દારૂ પીને ગાડી ચલાવનારા કે નશો કરીને વાહનો ચલાવતા હોવાનો અને અકસ્માતો કરતા હોવાના કિસ્સા વધી ગયા છે.

ગુજરાતના પોલીસ વડાએ આ અંગે વધારે સતર્કતા રાખવા અને કડક પગલા લેવાના આદેશ તમામ શહેરોના કમિશનરોને આપ્યા છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ પણ ખડપગે છે. જોકે પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ આવી કોઈ પ્રવૃત્તિ ન કરે જેના લીધે તેમના અને અન્યના રંગમાં ભંગ પડી જાય.

શહેરની પોલીસ ઉપરાંત ટ્રાફિક પોલીસ પણ શહેરના નાકે નાકે તહેનાત કરવામાં આવી છે. દરેક ક્રોસરોડ પર ટ્રાફિક પોલીસના કર્મીઓ ખડા રહેશે અને 50 કરતા વધારે ઈન્સ્પેક્ટર વ્હીકલ્સ શહેર પોલીસને મદદ કરશે, જેથી ઓવર સ્પીડીંગ, વાહનો પર સ્ટંટ કરવા સહિતની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવી શકાય. આ સાથે હોટેલ્સ, ક્લબ, કેફે વગેરેના સંચાલકો સાથે પણ બેઠક ગોઠવવામાં આવી હતી જેથી તેમની સોશિયલ મીડિયા એક્ટિવિટી પર પણ ધ્યાન આપી શકાય. ગુજરાત પોલીસે માત્ર રાત્રે 11.55થી 12.30 દરમિયાન જ ગ્રીન ક્રેકર્સ ફોડવાની પરવાનગી આપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button