આ રીતે કોંગ્રેસના ગેનીબેને ભાજપના ગઢનો એક કાંગરો ખેરવ્યો
ગુજરાત: ગુજરાતમાં(Gujarat)લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ સાથે કોંગ્રેસનું પણ ખાતું ખૂલ્યું છે. ભાજપનાં ગઢ સમાન ગુજરાતમાં હેટ્રીક કરવાના સપનાંને ગેનીબેન ઠાકોની (Ganiben Thakor) જીતે રોળી નાખ્યું છે. ભારે ખેંચતાણભરી રહેલી બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને કટોકટીની હાર આપી છે. સવારથી મતગણતરીમાં બંને નેતાઓ વચ્ચે આગળ પાછળ રહ્યા હતા. ગેનીબેન 33412 મતોની લીડથી જીત્યા છે.
કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા ગણાતા અને વાવના વર્તમાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વિધાનસભામાં ઘણા પાયાના મુદ્દાવન લઈને આકરા અવાજે બોલ્યા હતા. બનાસકાંઠાની લોકસભા બેઠક પર ચૂંટણીનો પ્રચાર કરતાં તેમણે “બનાસની બેન”નું સૂત્ર આપ્યું હતું. બનાસકાંઠાની અન્ય વિધાનસભા બેઠકો પર કોંગ્રેસના અન્ય નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. આથી કોંગ્રેસની જે વોટબેન્ક હતી તેમાં પણ ભંગાણ પડ્યું હતું. તેમ છતાં ગેનીબેનની જીત ઘણી જ નિર્ણાયક મનાય રહી છે.
ભાજપે ગેનીબેન સામે બનાસ ડેરીના સંસ્થાપક ગલબાભાઈ ચૌધરીના પૌત્રી રેખાબેનને મેદાનમાં ઉતાર્યા હતા. જો કે રેખાબેન રાજકારણથી ઘ્યાન દૂર રહેલા ઉમેદવાર હતા અને આથી તેમના ચહેરાને સામે રાખી સહકારી ક્ષેત્ર અને મોદી અસરથી જીતવાનું સમીકરણ ગોઠવ્યું હતું. પણ અંતે ગેનીબેનની જીતે ભાજપના સમીકરણ ખોટા પાડી દીધા હતા.
ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવેલ ચૂંટણી પ્રચાર પણ ભારે ચર્ચામાં રહ્યો હતો. ગેનીબેન બનાસકાંઠાની જનતા પાસે વોટની સાથે નોટ પણ માંગી હતી. અર્થાત તેમણે આર્થિક સહકાર કરવાઆ માટે પણ હાકલ કરી હતી. ગેનીબેન બનાસકાંઠાની જનતાને મામેરું ભરવા હાકલ કરી હતી. અંતે ગેનીબેન ચૂંટણીમાં જીત બાદ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે બનાસકાંઠાની પ્રજાએ મામેરું ભર્યું તે માટે હું તેની ઋણી રહીશ.
જો કે આ ચૂંટણીમા ક્ષત્રિય સમાજના આંદોલનનો પણ ફાયદો ગેનીબેનને મળ્યો હતો. ડીસામાં યોજાયેલ ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ગેનીબેનને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. ગેનીબેન ક્ષત્રિય સમાજ દ્વારા ચુંદડી ઓઢાડી તેનું મામેરૂ ભરવાની વાત કરી હતી. જો કે ગેનીબેને તેની ચુંદડીને આંચ નહિ આવવા દેવાની વાત કરી હતી.