Parshottam Rupala: વિવાદ કેમ ઉકેલવો?BJPની મહામંથન બેઠક, ક્ષત્રિયો આકરા પાણીએ
અમદાવાદઃ લોકસભાની ચૂંટણીની ઉમેદવારોની યાદી બહાર પાડતા સમયે ભાજપે ક્યારેય નહીં વિચાર્યું હોય કે તેમના ગઢ એવા ગુજરાતમાં આવી સ્થિતિનો સામનો કરવો પડશે. ભાજપના ઘણા ઉમેદવારો પક્ષનો જ જાકારો સહન કરી રહ્યા છે, પરંતુ રાજકોટના ઉમેદવાર અને ભાજપના વરિષ્ઠ નેતા પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ શમતો નથી અને પક્ષ માટે દિવસે દિવસે સ્થિતિ વકરતી જાય છે. ભાજપે ઉમેદવાર બદલવાની તૈયારી ન બતવાતા ક્ષત્રિય સમાજ આકાર પાણીએ થયો છે અને તેમનું સંમેલન યોજી માત્ર રૂપાલા નહીં પણ ભાજપનો વિરોધ કરી ક્ષત્રિય સમાજવાળી તમામ બેઠકો પર પક્ષને નુકસાન પહોંચાડવાની વાત કરી છે.
રૂપાલાને લીધે નિર્માણ થયેલી સ્થિતિનો ઉકેલ કઈ રીતે લાવવો તે માટે પક્ષના અધ્યક્ષ સી.આર. પાટીલના નિવાસસ્થાને ભાજપે એક બેઠક બોલાવી છે. આ બેઠક માટે મુખ્ય પ્રધા ભુપેન્દ્ર પટેલે પોતાના નર્મદા જિલ્લાનો પ્રવાસ રદ કરી નાખ્યો છે. પટેલ ઉપરાંત ભાજપના ક્ષત્રિય સમાજના નેતા બલવંતસિંહ રાજપૂત, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેસરીદેવસિંહ, આઈ.કે.જાડેજા જયરાજસિંહ, કિરીટસિંહ રાણા પણ હાજર હોવાનું જાણવા મળ્યું છે.
આ સાથે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ બેઠકમાં હાજર છે. આ સ્થિતિને કઈ રીતે થાળે પાડવી તે અંગે ચર્ચા ચાલી રહી છે. તો બીજી બાજુ ઘણા ગામડાઓ પોસ્ટર લાગી ગયા છે કે ભાજપના નેતાઓએ અહીં પ્રચાર માટે આવવું નહીં. ક્ષત્રિય સમાજ રૂપાલાની ઉમેદવારી પાછો ખેંચવાની માગણી પર મક્કમ જણાય છે અને તેઓ ટસના મસ થઈ રહ્યા નથી. તેમની સાથે કરણી સેના પણ જોડાઈ છે અને તેઓ ઠેર ઠેર બેઠકો યોજી રણનીતિ બનાવી રહ્યા છે. આ સાથે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજયોમાં પણ આ વિરોધનો સમાનો કરવો પડે તેમ છે.
બીજી બાજુ ભાજપ માટે રૂપાલાની ઉમેદવારી રદ કરવાનું સહેલું પણ નથી. જો આમ કરવામાં આવે તો પટેલ સમાજ નારાજ થઈ જાય, જે પણ ભાજપને પોષાય તેમ નથી. હવે મુખ્ય પ્રધાન અને સી.આર. પાટીલ સહિતના નેતાઓ આ વાતનો કોઈ ઉકેલ લાવે તેના પર સૌની નજર ટકેલી છે.