‘વાયબ્રન્ટ’ ગુજરાતનું ભણતર કેમ ડલ? 1500થી વધુ પ્રાથમિક શાળાઓમાં ફક્ત એક જ શિક્ષક!
ગાંધીનગર: ગુજરાતમાં અનેક ક્ષેત્રોમાં સતત વિકાસના દાવા વચ્ચે પાયાની સુવિધાઓ આપવામાં સરકારની ગંભીર બેદરકારી છતી થઇ છે. ખુદ રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે જ કબૂલાત કરી છે કે હાલના તબક્કે રાજ્યમાં એવી કુલ 1606 સ્કૂલો છે કે જેમાં ફક્ત એક જ શિક્ષક છે. આમ, વિકસિત ગુજરાતમાં શિક્ષણનો વિકાસ અધ્ધરતાલ જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં હાલ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, તેમાં શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરને શાળામાં શિક્ષકોની ઘટ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં શિક્ષણ પ્રધાને કહ્યું હતું કે પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ફાળવણી RTE એક્ટ હેઠળ કરવામાં આવે છે. દર 30 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક મુકવામાં આવે તેવો કાયદો છે. અમુક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી પણ હોય છે. આ ઉપરાંત શિક્ષકોની જિલ્લાબદલી, વધઘટ કેમ્પ જેવા આયોજન પણ સરકાર દ્વારા કરવામાં આવે છે, જેથી તેમને વતન પાસે રહેવાનો લાભ મળી શકે. તેમ છતાં શિક્ષકો પૂરતા પ્રમાણમાં મુકાય એ માટે સરકાર વ્યવસ્થા કરશે.
પ્રાથમિક સ્કૂલમાં ભૂલકાઓનું શિક્ષણ બગડે નહીં એ માટે આવી સ્કૂલમાં યોગ્ય લાયકાત ધરાવતા જ્ઞાન સહાયક મૂકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આથી શિક્ષકોની ઘટ વહેલી તકે પુરાશે તેવું શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે જણાવ્યું હતું.
મહત્વનું છે કે યુનેસ્કો દ્વારા ‘નો ટીચર, નો ક્લાસ, સ્ટેટ ઓફ ધી એજ્યુકેશન રિપોર્ટ ફોર ઇન્ડિયા-2021’માં જાહેર થયેલી આંકડાકીય માહિતી મુજબ આજથી 2-3 વર્ષ પહેલા રાજ્યમાં માત્ર એક જ શિક્ષકથી ચાલતી સ્કૂલોની સંખ્યા 1275 હતી અને કુલ 17 ટકા શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી હતી. વર્તમાન સ્થિતિની જો વાત કરીએ તો આ આંકડો વધ્યો છે અને હાલના સમયમાં 1606 જેટલી પ્રાથમિક સ્કૂલમાં માત્ર એક જ શિક્ષક છે.