સફાઈ કામદાર તરીકે જાણીતા ગીધોની વસતિ ઘટતા સરકારે લીધો આ નિર્ણય
ગાંધીનગરઃ ગીધ પક્ષ મૃત પશુપક્ષીઓને ખોરાક તરીકે ખાય છે અને એટલે તેને પ્રકઋતિનો સફાઈ કામદાર કહેવામાં આવે છે, પરંતુ આ પક્ષીની સંખ્યા માત્ર ગુજરાતમાં જ નહીં દેશમાં ઘટી રહી છે ત્યારે ગુજરાત સરકારે એક ખાસ સમિતિની રચના કરી છે. રાજ્યના વન વિભાગ દ્વારા ‘ગુજરાત રાજ્ય ગીધ સંરક્ષણ સમિતિ”ની રચના કરવામાં આવી છે. આ સમિતિના ચેરમેન તરીકે પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, વાઇલ્ડલાઇફ અને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન, ગુજરાત રાજ્ય સહિત કુલ 11 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે.
ગીધના સંરક્ષણ માટે આ સમિતિ દ્વારા વિવિધ પગલાં લેવામાં આવશે. જેમાં સમગ્ર રાજ્યમાં ગીધની વસ્તીનું નિયમિત નિરીક્ષણ કરવું, રાજ્યમાં વલ્ચર સેફ ઝોન બનાવીને ગીધોની સલામતી ક્ષેત્રનું નેટવર્ક વધારવું, ગીધોના મૃતદેહની તપાસ કરવી, ગીધને ઇલેક્ટ્રોક્યુશનથી બચાવવા વગેરે પર ખાસ ધ્યાન રાખવામાં આવશે.
Also read: મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી: વ્યાજખોરે ઘરે આવી પત્નીને ઝીંક્યા ફડાકા
આ દવા છે ગીધ માટે જીવલેણ
રાજ્યમાં ગીધની સંખ્યાના ઘટાડાના મુખ્ય કારણોમાંનું એક મહત્વનું કારણ પશુઓની સારવાર માટેની દવા ડિક્લોફેનાકનો વ્યાપક ઉપયોગ છે. પશુના મોત થાય એટલે ગીધ તેનું માંસ આરોગે છે, જે ગીધ માટે જીવલેણ સાબિત થતું હોય છે, તેમ નિષ્ણાતોનું કહેવાનું છે.
Also read: Gujarat માં નકલીની બોલબાલા, હવે કચ્છથી ઇડીની નકલી ટીમ પકડાઈ
આ દવા ખાસ કરીને સફેદ પૂંછવાળા ગીધ (જિપ્સ બેંગાલેન્સિસ) અને ભારતીય ગીધ (જિપ્સિન્ડિકસ) જેવી જિપ્સ પ્રજાતિઓને ખૂબ મોટી અસર કરે છે. ત્યારે સરકારે આ દવાનો ઉપયોગ જેમ બને તેમ ઓછો અથવા નહીવતૂ થાય તેના પર પણ ખાસ નજર રાખવા સમિતિને જણાવ્યુ છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે વર્ષ 2005માં 33 જિલ્લામાંથી કુલ 2647 ગીધની વસ્તી નોંધાઈ હતી, જ્યારે વર્ષ 2007માં 1431, વર્ષ 2010માં 1065, 2012માં 1043, વર્ષ 2016માં 999 અને વર્ષ 2018માં કુલ 820 ગીધની સંખ્યા નોંધાઇ છે.