આપણું ગુજરાત

આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી: 5084 ઉમેદવારોનું ભાવિ 36.71 લાખ મતદારોના હાથમાં

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 16 ફેબ્રુઆરી રવિવારના રોજ યોજાવાની છે. રાજ્યની 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગર પાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થશે. 66 નગરપાલિકા, કપડવંજ, કઠલાલ અને ગાંધીનગર એમ ત્રણ જિલ્લા પંચાયત અને તાલુકા અને જિલ્લા પંચાયતોની બેઠકોમાં પેટા ચૂંટણી આજે યોજવાની છે. જૂનાગઢ જિલ્લાની મહાનગરપાલિકા માટે 251 મતદાન મથકો ઉપર જ્યારે 66 નગરપાલિકાના 2039 મતદાન મથકોમાં ચૂંટણી યોજવાની છે. ત્રણ તાલુકા પંચાયતમાં 606 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે.

સંવેદનશીલ મતદાન મથકો પર વિશેષ ધ્યાન
આજે યોજાનારી ચૂંટણીમાં સંવેદનશીલ મતદાન મથકોમાં મહાનગરપાલિકામાં 91, નગરપાલિકામાં 202, જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં 71, તાલુકા પંચાયતની ચૂંટણીમાં 171 મતદાન મથકોનો સમાવેશ થયો છે. તો અતિસંવેદનશીલ મતદાન મથકોમાં મહાનગર પાલિકાના 16 તેમજ 68 નગરપાલિકાના 68 અને તાલુકા પંચાયતના 38 મતદાન મથકોનો અતિ સંવેદનશીલ મતદાન મથકો છે.

36.71 લાખ મતદારો કરશે મતદાન
આજે સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી ઈવીએમ દ્વારા મતદાન થશે. રાજ્યમાં કુલ 36,71,449 મતદારો મતાધિકાર ધરાવે છે, જે પૈકી 18,73,213 પુરુષ, 18,01,184 સ્ત્રી અને 129 ત્રીજી જાતિના મતદારો છે. આ ચૂંટણીમાં કુલ 173 ચૂંટણી અધિકારીઓ, 174 મદદનીશ ચૂંટણી અધિકારીઓ તેમજ 23,640 પોલિંગ સ્ટાફ તૈનાત રહેશે.18મી ફેબ્રુઆરી, 2025ના રોજ મત ગણતરી હાથ ધરાશે અને 21મી, ફેબ્રુઆરીએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે.

Also read: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ગુજરાત ભાજપમાં ઉકળતો ચરૂ

5084 ઉમેદવારો હરિફાઇમાં
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના તમામ એકમો માટે તા.01-02-2025 સુધીમાં કુલ 7036 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. જેમાંથી 1261 અમાન્ય અને 5775 ઉમેદવારી પત્રો માન્ય રહ્યા હતા. જ્યારે 478 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતા. કુલ 213 બેઠકો બિનહરીફ થઈ જાહેર થઈ હતી. આમ કુલ 5084 ઉમેદવારો હરિફાઇમાં છે.

જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડોની કુલ 60 બેઠકોમાંથી 8 બેઠકો સંપૂર્ણ બિનહરીફ છે, જ્યારે બાકી રહેલી બેઠકો માટે કુલ 157 ઉમેદવારો વચ્ચે હરીફાઈમાં ચૂંટણી યોજાશે. જ્યારે સામાન્ય ચૂંટણી હેઠળની 66 નગરપાલિકાઓના 461 વોર્ડ પૈકી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ છે. આમ કુલ 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ છે, અને 1677 બેઠકો પર 4374 ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે. જ્યારે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.18(પછાતવર્ગ), અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ નં.7 (સામાન્ય), ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.3 (સામાન્ય)ની પેટા ચૂંટણી યોજાશે. જેમાં કુલ 17 ઉમેદવારો વચ્ચે હરીફાઈ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button