આપણું ગુજરાત
ગુજરાતમાં ૨૭મી ઑક્ટો.થી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થશે
અમદાવાદ: ગુજરાતમાં ૨૭મી ઓક્ટોબરથી ૯મી ડિસેમ્બર સુધી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. ૨૭મી ઓક્ટોબરના રોજ મતદાર યાદીનો મુસદ્દો પ્રસિદ્ધ થશે. આ યાદી કલેક્ટર કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી તથા બૂથ લેવલ અધિકારી પાસે જોવા મળશે. ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન ૪થી અને ૫મી ઓક્ટોબરે તથા ૨જી અને ૩જી ડિસેમ્બરે એમ ચાર દિવસ ખાસ ઝુંબેશ ચાલશે. આ દિવસો દરમિયાન રાજ્યમાં દરેક બૂથ પર લેવલ ઓફિસર સવારે ૧૦થી પાંચ વાગ્યા સુધી ઉપસ્થિત રહેશે. મતદારો એમના નામ ત્યાં મતદાર યાદીમાં જોઈ શકશે. મતદાર યાદીમાં સુધારો-વધારો કે નામ કમી કરવા માટેના ફોર્મ બૂથ ઉપર મળશે. આ બધી અરજીઓ અંગે ૨૬મી ડિસેમ્બર સુધીમાં નિર્ણય લેવાશે અને ૫મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે.