નાના ભાઈનો હેવાનિયતભર્યો કાંડ! ભાઈ, ભાભી અને ગર્ભસ્થ બાળકને મારી લાશને નિર્વસ્ત્ર કરી દાટી દીધી…

વ્યસનના મુદ્દે ઠપકો મળતા નાના ભાઈએ માતાની મદદથી ત્રિપલ મર્ડર કર્યું
વિસાવદર: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત બનાવોનો સિલસિલો યથાવત રહ્યો છે, જો કે અમુક હત્યાના બનાવો વિશે જાણીને કોઈ સામાન્ય માણસની તો કંપારી છૂટી જાય. આવો જ એક બનાવો જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના શોભાવડલા ગામમાં બન્યો હતો. જેમાં સગીરે સગા ભાઈ અને ભાભી તેમજ ભ્રૂણની હત્યા કરી નાખીને દાટી દીધા હતા. આ બનાવની પખવાડિયા સુધી કોઈને ગંધ સુદ્ધાં નહોતી આવવા દીધી પરંતુ અંતે ભાંડો ફૂટી ગયો હતો અને સમગ્ર બનાવ સામે આવ્યો હતો.
મળતી વિગતો અનુસાર, આ પરિવાર મૂળ રૂપે બિહારના રહેવાસી છે અને શોભાવડલા ગામ નજીકના ખોડિયાર મંદિરમાં રહેતા હતા. આ હિચકારા બનાવને ૧૬ ઓક્ટોબરના રોજ અંજામ આપવામાં આવ્યો હતો પરંતુ તેના મૃતદેહો છેક 31 તારીખે મળી આવ્યા હતા અને ત્યારબાદ આખી ઘટના પરથી પડદો ઊંચકાયો હતો. આ હત્યાકાંડનો ખુલાસો ત્યારે થયો જ્યારે બિહારમાં રહેતા મૃતક મહિલાના માવતર પક્ષના લોકોએ વિસાવદર પોલીસનો સંપર્ક કર્યો હતો.
અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી યુવક ઇલેક્ટ્રિશિયનનું કામ કરતો હતો અને તેના વ્યસનને કારણે તેના મોટા ભાઈ તેને ખૂબ સમજાવતા હતા અને વ્યસન છોડી દેવાનું કહેતા હતા. આ મુદ્દે મોટો ભાઈ નાના ભાઈને કથિત રીતે મારા મારતો હોવાનું પણ આરોપીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું.
આથી તેનો ખાર રાખીને આરોપીએ લોખંડના સળિયા વડે ભાઈના માથા પર ત્યાં સુધી હુમલો કર્યો જ્યાં સુધી તેનું મૃત્યુ ન થયું. આ દરમિયાન તેમના ભાભી ત્યાં આવી પહોંચતા સમગ્ર કાંડનો ભાંડો ફોડી નાંખશે તેવી શંકાથી અંતે તેનું પણ ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. ભાભીની હત્યા એટલી ક્રૂરતાથી કરી હતી કે તેના પેટમાં રહેલ ભ્રૂણ બહાર આવી ગયું હતું.
જો કે બાદમાં આરોપીના શેતાન મગજમાં એવું સુજયું કે જેના વિશે જાણી તમે પણ ચોંકી ઊઠશો. લાશ જલ્દીથી સડી જાય તે માટે આરોપીએ તેના ભાઈ અને ભાભીના મૃતદેહને નિર્વસ્ત્ર કરીને આશ્રમના જ પટાંગણમાં દાટી દીધા હતા. આ કામમાં આરોપીની માતાએ પણ તેનો સાથ આપ્યો હતો.
મૃતક મહિલાના માવતર પક્ષના લોકોએ જ્યારે તેની દીકરીનો સંપર્ક ન થઈ શકવાની વાત કરી, ત્યારે સાસુએ કહ્યું કે અકસ્માતમાં તેમનું મૃત્યુ થઈ ગયું છે. જ્યારે તે લોકોએ અકસ્માતની તસવીરોની માંગણી કરી, ત્યારે સાસુ અલગ-અલગ બહાના બનાવવા લાગ્યા. શંકા વધતાં પરિવારના કેટલાક સભ્યો બિહારના ખગડિયાથી વિસાવદર પહોંચ્યા અને પોલીસનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ થયો હતો.



