આપણું ગુજરાત

નોન સેન્સ ગેટ આઉટઃ વિસાવદરમાં ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ વચ્ચે થઈ માથાકૂટ

(અમારા પ્રતિનિધિ તરફથી)

વિસાવદર:
જૂનાગઢ જિલ્લાની વિસાવદર નગરપાલિકામાં ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને સરકારી અધિકારી વચ્ચેનો ગજગ્રાહ ઉગ્ર બન્યો હતો. પાલિકાના ઉપપ્રમુખ અને ચીફ ઓફિસર વચ્ચે થયેલી આક્રમક બોલાચાલીનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાએ ફરી એકવાર વહીવટી અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચેના સંઘર્ષને સપાટી પર લાવી દીધો હતો, જેમાં બંને પક્ષો એકબીજા પર ગંભીર અને સનસનીખેજ આક્ષેપો કરતા જોવા મળ્યા હતા.

વાયરલ વિડિયોમાં ઉપપ્રમુખ રમેશભાઈ માંગરોળિયા અને ચીફ ઓફિસર પ્રકાશ વઘાસિયા વચ્ચે ઉગ્ર માથાકૂટ થતી જોવા મળી હતી. ઉપપ્રમુખનો આરોપ છે કે શહેરના વિકાસકામોના અનેક ટેન્ડરો લાંબા સમયથી અટકેલા હોવાથી તેઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ ચીફ ઓફિસરે ઉશ્કેરાઈને તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી. રમેશભાઈએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે ચીફ ઓફિસરે વાતચીત દરમિયાન છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

બીજી તરફ, ચીફ ઓફિસર પ્રકાશ વઘાસિયાએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવતા વળતો પ્રહાર કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે ઉપપ્રમુખ દ્વારા એન્જિનિયરના કામમાં બિનજરૂરી દખલગીરી કરવામાં આવે છે અને ખોટા બિલો મંજૂર કરાવવા માટે તેમના પર સતત દબાણ કરવામાં આવતું હતું. ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર જ્યારે તેમણે કાયદા મુજબ જ કામ કરવાની મક્કમતા દર્શાવી ત્યારે ઉપપ્રમુખ અને તેમના માણસોએ અપશબ્દો બોલી હોબાળો મચાવ્યો હતો.

વાયરલ થયેલા આ વીડિયોમાં ચીફ ઓફિસર અત્યંત ગુસ્સામાં “નોન સેન્સ, ગેટ આઉટ” જેવા શબ્દોનો પ્રયોગ કરતા અને પોતાની પ્રામાણિકતાની વાત કરતાં જોવા મળ્યા હતા. તેમણે ઉપપ્રમુખને ચેમ્બરની બહાર નીકળી જવા અને કોઈ પણ રજૂઆત લેખિતમાં આપવા જણાવ્યું હતું. આ દરમિયાન વીડિયો ઉતારી રહેલા વ્યક્તિનો ફોન આંચકી લેવામાં આવ્યો હોવાનો પણ દાવો કરાયો હતો. જોકે, આ હંગામા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ કે વહીવટી કાર્યવાહીની વિગતો સામે આવી નથી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button