આપણું ગુજરાત

વિસાવદર પેટાચૂંટણી: ઇટાલિયાના ‘કૌભાંડ’ના આરોપો પર કિરીટ પટેલનો પલટવાર, “ખેડૂતનો રૂપિયો નહીં લઉં, ઝેર પી જઇશ!”

વિસાવદર: જૂનાગઢ જિલ્લાની ખાલી પડેલી વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીનો રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર કિરીટ પટેલ પર જૂનાગઢ સહકારી બેંકમાં કરોડો રૂપિયાના કૌભાંડ અને રાષ્ટ્રીય વન નીતિ તેમજ ખેડૂત હિતોની અવગણનાના ગંભીર આક્ષેપો કરતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, કિરીટ પટેલે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને ઇટાલિયાને આકરો જવાબ આપ્યો છે.

“ઝેર પી જઇશ, પણ ખેડૂતનો રૂપિયો નહીં લઉં”
આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના આક્ષેપોને ફગાવતા કિરીટ પટેલે ભેંસાણમાં ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન બાદ ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરી હતી. પોતાના સંબોધનમાં કિરીટ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “હું ઝેર પીને મરી જવાનું પસંદ કરું, પરંતુ મારા ખેડૂતોનો એક પણ રૂપિયો ન લઉં.” આ નિવેદન દ્વારા તેમણે પોતાના પર લાગેલા આર્થિક ગેરરીતિના આરોપોને સખતપણે નકારી કાઢ્યા હતા.

દારૂ મળશે પણ ખાતર નહિ
બીજી તરફ, આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોના મુદ્દા ઉઠાવતા જણાવ્યું હતું કે જ્યારે વાવણીનો સમય આવે છે ત્યારે ખેડૂતોને ખાતર મળતું નથી. તેમણે દારૂબંધી હોવા છતાં ઘરે ઘરે દારૂની હોમ ડિલિવરીનો ઉલ્લેખ કરીને સરકારની નીતિઓ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, ખાતર માટે ખેડૂતો વલખાં મારતાં ફરે છે. ઇટાલિયાએ ભાજપ પર એડમિનિસ્ટ્રેશન અને સરકારની ખેડૂતવિરોધી નીતિઓ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.

ભાજપ લોકો સાથે જૂઠું બોલીને છેતરપિંડી કરી રહી છે
આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ વધુ એક આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી વિસાવદરના લોકો સાથે જૂઠું બોલીને છેતરપિંડી કરી રહી છે. તેમણે દાવો કર્યો કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે ફોર્મ ભરવાના દિવસે જ ‘ઇકો ઝોન’ અને ‘પ્રોટેક્ટેડ ફોરેસ્ટ’ એટલે કે રક્ષિત જંગલ જમીનના મુદ્દે ખોટું નિવેદન આપ્યું હતું. ઇટાલિયાએ આ ઘટનાને દુઃખદ ગણાવી હતી કે મુખ્ય પ્રધાનની હાજરીમાં કિરીટ પટેલ જૂઠું બોલ્યા અને મુખ્ય પ્રધાને તાળીઓ પાડી તેમનું સમર્થન કર્યું હતું.

આપણ વાંચો : ગુજરાત પેટાચૂંટણી: કડી અને વિસાવદર બેઠક પર ભાજપના 40 દિગ્ગજ નેતા પ્રચાર કરશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button