આપણું ગુજરાત

આજે પૂજ્ય જલારામબાપાની પુણ્યતિથિ, વિરપુરમાં વેપારીઓએ આપી પુષ્પાંજલિ

રાજકોટ: સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના જેતપુર પાસે આવેલા સુપ્રસિદ્ધ જગવિખ્યાત યાત્રાધામ વિરપુર (Virpur Jay Jalaram) કે જ્યાં પૂજ્ય સંત શિરોમણી કે શ્રી જલારામ બાપાની જગ્યા આવેલી છે, ત્યાં દેશ વિદેશથી પૂજ્ય જલારામ બાપાના દર્શને લાખો શ્રદ્ધાળુઓ આવે છે. પૂજ્ય જલારામબાપાએ શરૂ કરેલ સદાવ્રત અન્નક્ષેત્ર 200 વર્ષથી આજે પણ અવિરત ચાલુ છે.

પૂજ્ય સંત શ્રી જલારામ બાપા સેવકો સાથે ભજન કરતા કરતા વિક્રમ સવંત 1937 મહા વદને દશમીને બુધવારના દિવસે વૈકુંઠવાસ થયા હતા. ત્યારથી ગુજરાતી માસ મુજબ મહા વદને દસમીના દિવસે પૂજ્ય જલારામ બાપાની પુણ્ય તિથિ તરીકે મનાવાય છે.

આજે 5 માર્ચ મંગળવારે પૂજ્ય જલારામ બાપાનો નિર્વાણ દિવસ છે. એટલે આજે પૂજ્ય બાપાની 143મી પુણ્યતિથિ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિના દિવસે આજે 5 માર્ચ અને મંગળવારના રોજ સમગ્ર વીરપુર ગામના તમામ નાના મોટા વેપારીઓ અને વિરપુર વેપારી એસોસિએશને પણ સંપૂર્ણપણે પોતાના રોજગાર ધંધા બંધ પાળીને પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આપને જણાવી દઈએ કે વીરપુર આવતા ભાવિકો, યાત્રાળુઓ માટે પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં અન્નક્ષેત્ર તેમજ મંદિરમાં પૂજ્ય જલાબાપાના દર્શન રાબેતા સમય મુજબ ચાલુ રાખવામાં આવ્યા છે.

વિરપુર જલારામની બજારમાં વિવિધ દુકાનો આવેલી છે. મીઠાઇ, રમકડાં, ઇમિટેશન, જેતપુરની પ્રખ્યાત કોટન પ્રિન્ટેડ સાડી અને ડ્રેસ મટિરિયલ સહિત બાપાની મૂર્તિઓ-છબિઓની ખરીદી યાત્રાળુઓમાં ઘણી જ પ્રચલિત છે. અહી ખાણીપીણીની વાત કરવામાં આવે તો બજારમાં મળતી સોડા, છાશ મસાલાઓ તેમજ સ્થાનિક મીઠાઇ, ગઠિયા સહિત ફરસાણ પણ બહારના યાત્રાળુઓમાં ઘણા પ્રખ્યાત છે.

વિરપુરની બાજુમાં જ આવેલા કાગવાડ ગામમાં પ્રસિદ્ધ ખોડલધામ અને ખંભાલીડાની પ્રાચીન બૌદ્ધ ગુફાઓ આવેલી છે. સંત શૂરા અને દાતારની ધરતી ગણાતી સૌરાષ્ટ્રમાં વિરપુર વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે કે જ્યાં એક પણ રૂપિયો દાન કે કોઈ પણ પ્રકારની ભેટ સ્વીકારવામાં આવતી નથી અને અવિરત યાત્રાળુઓને બે ટંક ભોજન પ્રસાદ આપવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button