વિરનગરની હોસ્પીટલમાં ઓપરેશન બાદ 10 દર્દીને અંધાપાની અસર: આરોગ્ય વિભાગ થયું દોડતું…
રાજકોટ: રાજકોટ જિલ્લાના આટકોટ નજીક આવેલ વિરનગર સ્થિત શિવાનંદ મીશન આંખની હોસ્પીટલમાં આંખના ઓપરેશન બાદ 10 જેટલા દર્દીને અંધાપાની અસર જોવા મળી છે. આંખના ઓપરેશન માટે ખૂબ જ ખ્યાત એવી હોસ્પિટલમાં અંધાપાની અસર થતાં ખળભળાટ મચ્યો છે. જો કે બનાવની જાણ થતાં તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. હાલ તો ઓપરેશન થિયેટર સીલ કરી દેવામાં આવ્યું છે.
વિરનગરની શિવાનદં હોસ્પિટલમાં ગયા અઠવાડિયે 30 જેટલા દર્દીઓના મોતીયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાંથી 10 જેટલા લોકોને અંધાપાની અસર થતાં ત્યાં હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. પરંતુ ઇન્ફેક્શન વધુ હોવાથી 9 દર્દીઓને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં એક દર્દીની તબિયત ગંભીર હોવાથી તેમને રાજકોટથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે.
મોતિયાના ઓપરેશન બાદ આંખમાં ઇન્ફેક્શન લાગવાની ઘટના બહાર આવતા ગાંધીનગર અને રાજકોટ આરોગ્ય વિભાવની ટીમોને તપાસ માટે રવાના કરી દેવામાં આવી હતી. આરોગ્ય વિભાગની તપાસ બાદ હોસ્પિટલના ઓપરેશન થિયેટરને હાલ સિલ કરી દેવામાં આવ્યું છે અને સેમ્પલ લઈને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સૂત્રોએ પાસેથી મળેલી માહિતી અનુસાર સોમવારે ઓપરેશન કરાવનારા 32માંથી 10 દર્દીમાં અંધાપાની અસર જોવા મળી હતી. હોસ્પીટલ તંત્રને વાતનો અંદાજ આવી જતાં હોસ્પીટલમાં જ તપાસ અને સારવાર શરુ કરવામાં આવી હતી. આ વચ્ચે એક દર્દીને અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવતા આ સમગ્ર મામલાની જાન થઈ હતી. ત્યારબાદ રાજ્ય સરકારે રાજકોટ તથા ગાંધીનગરની મેડીકલ ટીમોને વિરનગર મોકલી હતી.