સમજાવટ કે સજાઃ બેદરકારી રાખી વાહનચાલકોની સાન કઈ રીતે ઠેકાણે લાવવી | મુંબઈ સમાચાર
અમદાવાદઆપણું ગુજરાતમધ્ય ગુજરાત

સમજાવટ કે સજાઃ બેદરકારી રાખી વાહનચાલકોની સાન કઈ રીતે ઠેકાણે લાવવી

અમદાવાદઃ મુંબઈમાં તાજેતરમાં થયેલો હીટ એન્ડ રનનો કેસ હોય કે તથ્ય પટેલ કે વિસ્મય શાહનો કેસ હોય કે પછી રોડ પર માત્ર સ્ટાઈલ મારવા બેફામ વાહનો ચલાવતા યુવાનીયાઓ હોય, બેદરકારી બધામાં સામાન્ય છે ને તેને લીધે તેઓ પોતાનો અને અન્યોનો જીવ જોખમમાં મૂકે છે. આ લોકોને વારંવાર સમજાવટ કરવા છતાં કે અમુક સજા આપવા છતાં પણ જવાબદારીનું ભાન થતું નથી.

અમદાવાદનો એક વાયરલ વીડિયો કાંકરિયાના અનુપમ બ્રિજ રોડનો છે. એક્ટિવા પર સવાર 4 યુવકો રોડ પર ખતરનાક સ્ટંટ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક્ટિવા પર ચાર જણ સવાર છે અને તેઓ રોડ પર ઝિકઝેક સ્ટાઈલથી બેફામ ડ્રાઈવિંગ કરી રહ્યા છે. ત્યાંથી પસાર થઈ રહેલા એક વ્યક્તિએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. વીડિયો વાયરલ થતાં જ અમદાવાદ ટ્રાફિક પોલીસે એક્ટિવા ચાલક સહિત એક્ટિવા પર સવાર ચાર લોકોની અટકાયત કરી હતી. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.

આ કેસમાં પોલીસે રખિયાલના રહેવાસી 20 વર્ષીય એક્ટિવા ડ્રાઈવર શુભમ ગુર્જર, 19 વર્ષીય સૂરજ સિંહ મારવાડી, 18 વર્ષીય જિતેન્દ્ર સિંહ સિસોદિયા અને એક્ટિવા પર સવાર એક કિશોરની અટકાયત કરી છે. એક્ટિવા ચલાવવા બદલ શુભમ ગુજ્જર વિરુદ્ધ કલમ 281 અને મોટર વ્હીકલ એક્ટ 184 હેઠળ ‘કે’ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પોલીસે જાહેર જનતાને અપીલ પણ કરી છે કે રોડ પર જોખમી રીતે વાહનો ડ્રાઈવ કરતા લોકોની ફરિયાદ કરવામાં આવે.

Back to top button