તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સના વીડિયો વાઈરલ, વહીવટી તંત્રે આપ્યા આ આદેશ
સુરેન્દ્રનગર: સૌરાષ્ટ્રની ભાતીગળ પરંપરાઓ અને લોકસંસ્કૃતિની ઝાંખી કરાવતો તરણેતરનો મેળો હાલમાં જ પૂર્ણ થયો છે. ત્યારે હવે આ મેળાની ગરિમા અને મર્યાદાની હાંસી ઉડાવતો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે મેળામાં સૌરાષ્ટ્ર અને પાંચાળની સંસ્કૃતિને જોવા અને માણવા માટે દેશ વિદેશથી લોકો આવે છે અને મહાદેવના સાનિધ્યમાં ભરાતા આ મેળામાં અશ્લીલ ડાન્સના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે તંત્રની કામગીરી સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં મેળાઓની આગવી પરંપરાઓ રહી છે. તેમાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાતો તરણેતરનો મેળો સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિના દર્શન માટેનો શિરમોર મેળો ગણાય છે. ઋષિ પરંપરાઓની ફળશ્રુતિ રૂપે અને ભાતીગળ પરંપરાઓ સાથે તરણેતર ખાતે મેળો ભરાય છે. સૌરાષ્ટ્ર અને તેમાંય ખાસ કરીને પાંચાળ પ્રદેશની સંસ્કૃતિના દર્શન થાય છે. ભાતીગળ છત્રીઓ, આભલા-ભરત ભરેલા પોશાકો, હુડો, રાસડા, દુહા-છંદ સહિત અનેક બાબતોએ આ મેળો મુલાકાતીઓને આકર્ષે છે. પણ આ વર્ષે આ મેળાની ગરિમાને લાંછન લગાડતો વિડીઓ વાયરલ થઈ રહેલો છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રના ગોંડલને મળ્યા નવા બે ફોરલેન બ્રિજ, રાજાશાહી સમયના બ્રિજનું શું…
તરણેતરના મેળામાં તેની સાંસ્કૃતિક ધરોહર જળવાય રહે તે માટે ખુદ સરકાર જ અઢળક પ્રયત્નો કરી રહી છે. ભલે મૂળ મેળાની જગ્યાએ અહી સમયની સાથે પરિવર્તનો આવ્યા છે, પરંતુ આ પરિવર્તનોમાં ક્યાંય મેળાની ગરિમાને હાનિ નથી પહોંચી. જ્યારે આ વર્ષે પ્રથમ વખત તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સનો વીડિયો વાયરલ થતા જ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયોમાં ભોજપુરી ડાન્સરો ડાન્સ કરી રહી છે, જ્યારે તેની સામે પણ અનેક લોકો જોઇ રહ્યા છે.
આ મામલે પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. જ્યારે આ અંગે અધિક કલેકટરે જણાવ્યું છે કે ‘હાલ વાયરલ થઈ રહેલા વીડિયોની પુષ્ટિ કરવામાં આવશે અને તે જાણવામાં આવશે કે વીડીયોમાં છેડછાડ કરાઈ છે કે ઓરિજિનલ વીડિયો છે. વિડીયોની પૃષ્ટી કર્યા બાદ જો આ મામલે પ્લોટના ધારકો અને પ્લોટ અને રાઇડ્સના માલિકોની સંડોવણી જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.