કોંગ્રેસ નેતાના વિરોધને પગલે અંબાજી મંદિરના VIP ગેટને લાગ્યા તાળા

ગુજરાતના મંદિરોમાં છેલ્લા ઘણા સમયથી એક પછી એક વિવાદો સામે આવતા રહ્યા છે. પહેલા ડાકોરમાં વીઆઈપી દર્શન, તે પછી સાળંગપુર મંદિરનો વિવાદ અને અંબાજીમાં પણ વીઆઇપી દર્શનનો વિવાદ સામે આવ્યો હતો. જો કે સાળંગપુરના ભીંતચિત્રોનો વિવાદ તો શાંત થઇ ગયો અને હવે અંબાજીમાં વીઆઇપી દર્શનના વિવાદ પર પણ આજે પૂર્ણવિરામ લાગી ગયું છે.
સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં VIP દર્શનનો મુદ્દો સામે આવ્યો હતો, જેમાં 5000 રૂપિયા લઈને VIP દર્શન કરાવવાના આક્ષેપ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ પર થયા હતા. જો કે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે આ આક્ષેપોનું ખંડન કરી VIP દર્શન ન થતાં હોવાની વાત કરી હતી. શ્રદ્ધાળુઓ અને ભક્તો જે દાન સ્વરૂપે ભેટ આપતા હોવાનું અને આ ભેટ સ્વરૂપે દર્શન થતાં હોવાની વાત કરી હતી.
અંબાજી આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે 5 હજાર રૂપિયા લઇને મંદિરમાં VIP દર્શન થતાં હોવાનો આક્ષેપ કર્યો હતો જેથી વિવાદ સર્જાયો હતો. અંબાજી મંદિર વહીવટદારો એ આ મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારના અનઅધિકૃત અને નાણાકીય વ્યવહારના આધારે દર્શનની વ્યવસ્થા મંદિરમાં નથી આપવામાં આવતી. આ પછી મંદિર વહીવટીતંત્ર દ્વારા અમુક વ્યવસ્થાપનનાં કારણો, ભાદરવી પૂનમના મેળાની તૈયારી અને ધાર્મિક કારણો આપી ગર્ભગૃહનાં દર્શન સદંતર રીતે બંધ કરી દેવામાં આવ્યાં હતા.