સુરતમાં હિટ એન્ડ રનના કાયદાનો આક્રમક વિરોધ, બેકાબૂ ભીડે પોલીસકર્મીઓ પર કર્યો હુમલો
સુરત: ગૃહ મંત્રાલય દ્વારા હિટ એન્ડ રનના ગુનામાં સજાની જોગવાઇ 2 વર્ષથી વધારીને 10 વર્ષ કરી દેવામાં આવી છે, તેમજ આ કાયદો સીટીબસ-એસ ટી બસ, ટ્રક-ટ્રેલર, ડમ્પર, રિક્ષા તમામ વાહનચાલકો તથા ખાનગી વાહનચાલકોને પણ લાગુ પડવાનો છે જેને પગલે દેશભરમાં હાલ વિરોધનો માહોલ છે. ગુજરાતમાં પણ સવારથી ટ્રકચાલકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં સુરતમાં આ વિરોધે આક્રમક સ્વરૂપ ધારણ કરતા વિરોધકર્તાઓએ પોલીસકર્મીઓ પર હુમલો કરી દીધો હતો.
સુરતના મગદલ્લા રોડ પર સીટી બસના ડ્રાઇવરોએ હલ્લાબોલ કર્યો હતો. સીટી બસ પર પથ્થરમારો કરીને ડ્રાઇવરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તેવામાં પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પથ્થરમારો રોકવા માટે આવી પહોંચી હતી. જો કે પોલીસકર્મીઓને જોઇને ભાગવાને બદલે ડ્રાઇવરો સહિત વિરોધકર્તાઓએ પોલીસકર્મીઓને જ નિશાન બનાવી તેમના પર હુમલો કરી દીધો હતો. આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ જતાં હાલ વીડિયો વાયરલ થયો છે.
પોલીસની પીસીઆર વાનમાંથી જેવા પોલીસ કર્મીઓ બહાર નીકળ્યા કે તરત તેમના પર ડ્રાઇવરોએ પથ્થરમારો કરવાનું શરૂ કરી દીધું હતું. તે પછી તેને ઘેરી લઇને ડ્રાઇવરો મુક્કા મારવા લાગ્યા હતા. પોલીસ કર્મી જીવ બચાવીને ત્યાંથી નીકળી ગયા હતા જો કે તેને સમગ્ર ઘટનામાં ઘણી ઇજા પહોંચી છે.