Vikram Thakor ની કેજરીવાલ સાથે વાતચીત બાદ રાજનીતિમાં પ્રવેશવાની અટકળો વચ્ચે ખુલાસો…

અમદાવાદઃ ગુજરાતી ફિલ્મોના જાણિતા અભિનેતા અને લોકગાયક વિક્રમ ઠાકોરને(Vikram Thakor)અગાઉ વિધાનસભામાં આમંત્રિત નહીં કરાતા વિવાદ શરૂ થયો હતો. ત્યાર બાદ સરકારે તેમને આમંત્રણ આપ્યું હોવા છતાં તેઓ નહીં ગયા હોવાથી અનેક અટકળો શરૂ થઈ હતી. તેઓ રાજનીતિમાં પ્રવેશ કરશે તેવી ચર્ચાઓ વચ્ચે તેમણે ખુલાસો કરતાં કહ્યું હતું કે, હાલ કંઈ વિચાર્યું નથી પણ ભવિષ્યમાં આ અંગે નિર્ણય કરશે.
આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી અટકળો શરૂ થઈ હતી
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે વિક્રમ ઠાકોરે વાતચીત કરી હતી. વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે, કેજરીવાલનો ફોન મારા પર આવ્યો હતો અને તેમણે મને મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે. તેમણે રાજનીતિમાં જોડાવા માટે નહીં પરંતુ શુભેચ્છા મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે. ત્યાર બાદ રાજકીય વર્તુળોમાં વિક્રમ ઠાકોર આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી અટકળો શરૂ થઈ હતી.
આ પણ વાંચો :“ઠાકોર સમાજનું અપમાન” ગુજરાત વિધાનસભામાં કલાકારોને આમંત્રણ પર વિક્રમ ઠાકોરે ઉઠાવ્યા સવાલ
હાલમાં મારા કામમાં ધ્યાન આપવા માંગુ છું
તેમણે આ અટકળો પર પૂર્ણ વિરામ મૂકતા ખુલાસો કર્યો હતો કે, હાલ રાજનીતિમાં પ્રવેશવા અંગે કશું વિચાર્યું નથી પણ સમય આવ્યે જરૂર નિર્ણય કરીશ. લોકગાયક વિક્રમ ઠાકોરે મીડિયા સમક્ષ કહ્યું હતું કે, તેમને દરેક રાજકીય પક્ષ તરફથી રાજનીતિમાં આવવા માટે ઓફરો મળી રહી છે. તેમણે કહ્યું હતું કે, હું હાલમાં મારા કામમાં ધ્યાન આપવા માંગુ છું. રાજનીતિમાં પ્રવેશવાનો નિર્ણય હું યોગ્ય સમયે લઈશ.