વિકાસરથના માધ્યમથી રાજ્યભરમાં ૯૫૯ કરોડથી વધુના ૯,૨૫૪ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થયા

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૨૪ વર્ષની જનસેવાને ઉજવવા રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના દરેક જિલ્લા દીઠ એક ‘વિકાસ રથ’ને પ્રસ્થાન કરાવીને ગુજરાતની વિકાસ ગાથાને જન-જન સુધી પહોંચાડવાનું વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ વિકાસ રથ ગામડે-ગામડે ફરીને વિવિધ યોજનાના લાભાર્થીઓને તેમના ઘર આંગણે જ સહાય તેમજ અન્ય નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપી રહ્યો છે.
વિકાસ સપ્તાહ દરમિયાન ગામડે-ગામડે ફરી રહેલા રાજ્ય સરકારના ૩૪ વિકાસ રથ સાથે રાજ્ય પ્રધાન મંડળના સભ્ય, સાંસદ અને ધારાસભ્યો ઉપરાંત ૯,૩૬૩થી વધુ સ્થાનિક પદાધિકારી-અધિકારીઅને ૨.૪૬ લાખથી વધુ નાગરીકો જોડાયા હતા. સપ્તાહ દરમિયાન વિકાસ રથના માધ્યમથી રાજ્યભરમાં કુલ રૂ. ૯૫૯ કરોડથી વધુના ૯,૨૫૪ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ સંપન્ન કરવામાં આવ્યા હતા. જેમાં કુલ રૂ. ૭૦૪.૯૫ કરોડના ૪,૨૫૧ કામોના લોકાર્પણ તેમજ રૂ. ૨૫૪.૧૪ કરોડના ૪,૭૭૨ કામોના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: વિકાસ સપ્તાહઃ રાજ્યમાં 24 વર્ષમાં 15,500 પંચાયતો સમરસ બની, ₹351 કરોડની વધારાની ગ્રાન્ટ મળી…
આ ઉપરાંત વિકાસ રથના માધ્યમથી જ વિવિધ યોજનાના ૨૪,૫૩૩ લાભાર્થીઓને કુલ રૂ. ૭૯.૨૪ કરોડની સહાય વિતરણ કરવામાં આવી હતી. વિકાસ રથ સાથે જોડાયેલા કુલ ૨,૪૩,૭૫૪થી વધુ નાગરિકોએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” પણ લીધી હતી.