વિજય રૂપાણીને રાજકોટમાં ગાર્ડ ઑફ ઓનર: અમિત શાહ, CM પટેલ સહિત દિગ્ગજોએ શ્રદ્ધાંજલિ અર્પી

રાજકોટ: ૧૨ જૂનના રોજ અમદાવાદમાં સર્જાયેલા એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં નિધન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો પાર્થિવ દેહ આજે રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે. આ શોકપૂર્ણ ક્ષણે તેમના અંતિમ દર્શન અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રાજકીય મહાનુભાવો અને હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વિજય રૂપાણીને તેમના નિવાસસ્થાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે રાજકોટ પહોંચ્યા હતા અને તેમણે રૂપાણીના નિવાસસ્થાને જઈને દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમની સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્રણેય મહાનુભાવોએ વિજય રૂપાણીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
વિજય રૂપાણીના નિધનથી માત્ર રાજકોટ જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન કરવા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. રાજકોટ અને સૌરાષ્ટ્રભરમાંથી તેમના ચાહકો, સમર્થકો, રાજકીય નેતાઓ, અને પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.
આ પણ વાંચો - પૂર્વ CM વિજય રૂપાણીના પાર્થિવદેહને રાજકોટ લવાયો: હજારોની મેદની ઉમટી, ‘અમર રહો ના’નારા લાગ્યા
દરેક વ્યક્તિની આંખોમાં સ્વર્ગસ્થ નેતા પ્રત્યેનો પ્રેમ અને દુઃખ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. લોકોએ રૂપાણી પરિવારને દિલાસો આપી, આ દુઃખની ઘડીમાં તેમની સાથે ઊભા રહેવાની ભાવના વ્યક્ત કરી હતી. આજે રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.