Video: વડોદરામાં એક યુવાને CPR આપીને સાપનો જીવ બચાવ્યો
વડોદરા: સામાન્ય રીતે સાપને જોતા જ લોકોમાં ગભરાટ વ્યાપી જતો હોય છે, જો સાંપ કરડે તો દર્દીને હોસ્પિટલમાં દાખાલ કરવો પડે છે. એવામાં એક અજીબોગરીબ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વડોદરામાં એક યુવાને કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) આપી સાપનો બચાવ્યો હતો.
વડોદરાના વન્યજીવ સંસ્થાના કાર્યકરે જણાવ્યું કે તેમને હેલ્પલાઇન નંબર પર જાણવા મળ્યું કે એક સાપ મૃત હાલતમાં મળી આવ્યો છે. સ્થળ પર પહોંચ્યા પછી અમે જોયું કે એક બિન-ઝેરી ચેકર્ડ કીલબેક ત્યાં ગંભીર હાલતમાં પડ્યો હતો, હાલત જોઇને લાગ્યું કે સાપ બચી શકે છે.
વન્યજીવ કાર્યકર્તાએ જણાવ્યું કે “જ્યારે હું ત્યાં ગયો, ત્યારે સાપ બેભાન અવસ્થામાં હતો. કોઈ હિલચાલ નહોતી, પરંતુ મને વિશ્વાસ હતો કે સાપ બચી જશે. તેથી મેં તેની ગરદન મારા હાથમાં લીધી, તેનું મોં ખોલ્યું અને ત્રણ મિનિટ સુધી તેના મોંમાં ફૂંક મારીને તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો. પહેલા બે પ્રયાસોમાં CPR આપ્યા પછી પણ તેની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો ન થયો. જો કે, જ્યારે મેં ત્રીજી વખત CPR આપ્યું, ત્યારે તે ભાનમાં આવ્યો.”
આ સાપને હવે વન વિભાગને સોંપી દેવામાં આવ્યો છે.