ગુજરાતમાં EMIથી લાંચ આપવાની સુવિધા! ACBએ ભ્રષ્ટ અધિકારીઓ અંગે કર્યો ખુલાસો
ગાંધીનગર: મકાન, કાર, ઇલેક્ટ્રોનિક અપ્લાયંસ જેવી વસ્તુઓ માટે EMIથી ચુકવણી સુવિધાઓ મળતી હોય છે. પરંતુ ગુજરાતમાં EMIથી લાંચની ચુકવણી કરવાની પણ સુવિધા મળે છે. છેલ્લા કેટલાક સમયમાં એવા કેટલાક કિસ્સાઓ બન્યા છે જેમાં અધિકારીઓ લોકો પાસેથી EMIથી લાંચ(Bribe on EMI) લેતા હોય, જેથી ભોગ બનનારને એક સાથે નાણકીય ભાર ના લાગે.
આ વર્ષે માર્ચમાં SGST બોગસ બિલિંગ કૌભાંડમાં એક આરોપી પાસેથી 21 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. જેમાં માટે અધિકારીઓએ રૂ. 2 લાખના દસ અને અને રૂ. 1 લાખનો એક હપ્તો નક્કી કર્યો હતો.
4 એપ્રિલના રોજ, સુરતના એક ગામના એક ડેપ્યુટી સરપંચ અને તાલુકા પંચાયતના સભ્યએ ખેડૂતનું ખેતર સમતળ કરાવવા માટે 85,000 રૂપિયાની લાંચ માંગી હતી. ગ્રામજનની તંગ આર્થિક સ્થિતિને જોતા EMIનો વિકલ્પ કરી આપ્યો હતો.
તાજેતરમાં જ, સાબરકાંઠાના રહેવાસી પાસેથી માંગવામાં આવેલી 4 લાખની લાંચ લઈને બે પોલીસકર્મીઓ ભાગી ગયા હતા. આ રકમ પોલીસકર્મીઓ માંગેલી કુલ રૂ. 10 લાખનો પ્રથમ હપ્તો હતો.
અન્ય એક કિસ્સામાં, સાયબર ક્રાઈમ પોલીસ અધિકારીએ રૂ. 10 લાખની લાંચને ચાર હપ્તામાં વહેંચી દીધી હતી.
એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના અધિકારીઓનું કહેવું છે કે આવી પ્રથા વધી રહી છે અને માત્ર આ વર્ષે જ આવા દસ કેસ નોંધાયા છે. ACBના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. “એક વ્યક્તિ સંપૂર્ણ ચુકવણી કરીને ઘર, કાર અથવા મૂલ્યવાન વસ્તુ ખરીદવા પરવડી ન શકે તે EMI પર લોન મેળવે છે. ભ્રષ્ટ અધિકારીઓ હવે લાંચ માટે સમાન પ્રથા લાગુ કરી રહ્યા છે, ભ્રષ્ટ અધિકારીઓ પૈસા કમાવવાની તક ગુમાવવા માંગતા નથી.”
ભ્રષ્ટ અધિકારીઓ એવા લોકોનો ફાયદો ઉઠાવે છે, જેમનો કોઈ ગુનાના સંબંધમાં પોલીસ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હોય અથવા સરકારી કલ્યાણ યોજનાઓનો લાભ લેવા ઈચ્છતા હોય, અધિકારીઓ મોટી લાંચ માંગે છે. વ્યક્તિ ગરીબ હોય, તેથી એ સંપૂર્ણ લાંચ એક સાથે ચૂકવી શકે એવી સ્થિતિમાં હોતો નથી. ભ્રષ્ટ અધિકારીઓ લાંચના રૂપિયા છોડવા માંગતા નથી હોતા તેથી EMIની ઓફર આપે છે.
26 એપ્રિલના રોજ નોંધાયેલ એક કેસ મુજબ, એક CID (ક્રાઇમ) ઇન્સ્પેક્ટરે ગુનાના સંબંધમાં જપ્ત કરાયેલ લેપટોપ અને કોમ્પ્યુટર સહિતની વસ્તુઓ માટે રૂ. 50,000 લાંચની માંગણી કરી હતી, તેણે રકમને 10,000 રૂપિયાના પાંચ હપ્તામાં વહેંચી દીધી.
આ મહિનાની શરૂઆતમાં, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના વર્ગ II ના અધિકારીએ કોન્ટ્રાક્ટર પાસેથી રૂ. 1.20 લાખની માંગણી કરી હતી, તેને રૂ. 30,000 ના ચાર હપ્તામાં ચૂકવણી કરવાની ઓફર આપવામાં આવી હતી.