Vibrant Summit-2024: ગુજરાત આજે જે વિચારે છે, તેને દેશ આવતીકાલે અનુસરે છે, જાણો કોણે કહ્યું આમ
ગાંધીનગરઃ ગુજરાતમાં ચાલી રહેલી વાઈબ્રન્ટ સમિટ-2024ના બીજા દિવસે ગાંધીગર ખાતે કેન્દ્રીય પ્રધાનોનો જમાવડો રહ્યો. આજે સમિટનાં બીજા દિવસે બિલ્ડીંગ વર્ક ફોર્સ ફોર ફ્યુચર: ડેવલપમેન્ટ ઓફ સ્કીલ્સ ફોર ઇન્ડસ્ટ્રીઝ 4.0 વિષયક સેમિનારમાં ભવિષ્ય માટે તૈયાર કરાયેલા કાર્યબળ- મેન પાવરને પોષવા માટેની વ્યુહ રચના અને ડિજિટલ પરિવર્તન યુગમાં ઉદ્યોગોની માંગને પૂરી કરવા માટે ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી.
આજે યોજાયેલા સેમિનારમાં કેન્દ્રીય શ્રમ અને ઉદ્યોગ સાહિસકતા પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાત જે આજે વિચારે છે, તેનું દેશ આવતીકાલે અનુકરણ કરે છે. દેશના ઔદ્યોગિક વિકાસમાં ગુજરાતનું યોગદાન મહત્વનું છે. ત્યારે ગુજરાતે ઉદ્યોગોને સ્કીલ્ડ મેનપાવર પૂરો પાડવા માટે શૈક્ષણિક અને તાલીમ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યુવાનોના સ્ટાર્ટ-અપને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેના પરિણામ સ્વરૂપે આજે દેશમાં એક લાખથી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત છે, જેમાં ૧૦૦થી વધુ યુનિકોર્ન સ્ટાર્ટઅપનો સમાવેશ થાય છે.
પ્રધાને જણાવ્યું હતું કે, આજે ભારતની 65 ટકા વસતીની વય 35 વર્ષ કે તેનાથી ઓછી છે. આ રીતે ભારત એ યુવા દેશ છે. 21 મી સદી એ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ એટલે કે કૌશલ્યની રહેશે. તેથી દેશના યુવાઓને ઇન્ડસ્ટ્રીઝ 4.0 માટે “સ્કીલ ઈનેબલ્ડ” કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
રાજ્યના શ્રમ-રોજગાર અને ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, સમયની સાથે સાથે ઔદ્યોગિક ક્ષેત્રની જરૂરિયાતોમાં બદલાવ આવતો હોય છે. આવનારા સમયની ઔદ્યોગિક ક્રાંતિ ને અનુરૂપ મેનપાવર તૈયાર કરવા તત્કાલીન મુખ્ય પ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2009 માં કૌશલ્ય વિકાસ મિશનનો પ્રારંભ કરાવ્યો હતો. આજે દેશમાં સૌપ્રથમ કૌશલ્ય- ધ સ્કિલ યુનિવર્સિટી શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. રાજ્ય સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને ડિજિટલ ટેકનોલોજીને અનુરૂપ મેનપાવર તૈયાર કરવા ITI સંસ્થાઓને સક્ષમ બનાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ સેમિનાર અંતર્ગત માઇક્રોન, આર્સેલર મિત્તલ,એલ એન્ડ ટી એજ્યુ ટેક., આઇબીએમ ઇન્ડિયા પ્રા. લિ,કવેસ પાક, ન્યુ એજ એજ્યુકેશન એન્ડ સ્કિલ ફાઉન્ડેશન, બોશ ઈન્ડિયા ફાઉન્ડેશન, થન્ડરબર્ડ, સ્કિલમેન એજ્યુકેશન, નેમસોલ યુનિવર્સિટી, દક્ષિણ કોરિયા, ઈસીએ ઓસ્ટ્રેલિયા, ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ડસ્ટ્રીયલ, એનએસડીસી ઇન્ટરનેશનલ લિ. અને શાલ્બી એકેડમી, શાલ્બી લિમિટેડ યુનિટ અને ગુજરાત સરકાર તરફથી કૌશલ્ય- ધ સ્કીલ યુનિવર્સિટી અને શિક્ષણ વિભાગ વચ્ચે રાજ્યના ઉદ્યોગોને ઈન્ડસ્ટ્રીઝ 4.0 માટે કૌશલ્યવાન યુવાનો તૈયાર કરવા અને રોજગાર ક્ષમતામાં વધારો કરવા કુલ ૧૪ સમજૂતિ કરારો કરવામાં આવ્યા હતા.