Vibrant Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા, UAEના રાષ્ટ્રપતિ સાથે આજે રોડ શો

અમદવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત માટે સોમવારે રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા. એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે તેમનું સ્વાગત કર્યું હતું. બે દિવસની મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અને અન્ય કાર્યક્રમોમાં ભાગ લેશે. વડા પ્રધાન આજે UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે રોડ શો કરશે.
વડાપ્રધાન મોદી આજે મગળવારે સવારે 9.30 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર પહોંચશે. વડા પ્રધાન મોદી આજે મગળવારે ગ્લોબલ ટ્રેડ શોના કાર્યક્રમમાં હાજરી આપશે. વડા પ્રધાન ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મૂકશે. અમદાવાદ પહોંચ્યા બાદ વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે તેઓ થોડા સમય પહેલા અમદાવાદ પહોંચ્યા છે. આગામી બે દિવસમાં તેઓ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અને તેને લગતા કાર્યક્રમોમાં ભાગ લેશે.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટનના એક દિવસ પહેલા મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટની બહારથી રોડ શો કરશે. વડાપ્રધાને કહ્યું કે, આ ખૂબ જ આનંદની વાત છે કે વિશ્વના નેતાઓ સમિટમાં ભાગ લેશે. મારા ભાઈ મોહમ્મદ બિન ઝાયેદનું આગમન ખૂબ જ ખાસ છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સાથે મારો ખૂબ જ નજીકનો સંબંધ છે અને મને એ જોઈને આનંદ થાય છે કે કેવી રીતે આ પ્લેટફોર્મે ગુજરાતના વિકાસમાં યોગદાન આપ્યું છે અને ઘણા લોકો માટે તકો ઊભી કરી છે.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણવ્યું કે, UAE ના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યા બાદ સાંજે એરપોર્ટથી ત્રણ કિલોમીટર લાંબો રોડ શો શરૂ થશે. આ રોડ શો ઈન્દિરા બ્રિજ ખાતે સમાપ્ત થશે. આ પુલ અમદાવાદને ગાંધીનગરથી જોડે છે. આ પછી બંને મહાનુભાવો ગાંધીનગરમાં પોતપોતાના ગંતવ્ય સ્થાને જવા રવાના થશે.
વડાપ્રધાન મોદી બુધવારે ગાંધીનગરમાં મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે VGGSની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. ગુજરાત મુલાકાત દરમિયાન, વડા પ્રધાન મોદી વૈશ્વિક નેતાઓ અને ટોચના વૈશ્વિક કોર્પોરેશનોના સીઈઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે.