Vibrant Gujarat Summit: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિવિધ દેશ અને કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી
ગાંધીનગર: આવતીકાલે 10મી જાન્યુઆરીના રોજ ત્રણ દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ની શરૂઆત થવાની છે, એ પહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિવિધ દેશોના પ્રતિનિધિઓ સાથે બેઠકોમાં વ્યસ્ત છે.
મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા ડેમોક્રેટિક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તા સાથે મહાત્મા મંદીરમાં મુલાકત બેઠક યોજી હતી. નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તિમોર લેસ્તેની રાજધાની દિલિમાં ભારતીય દૂતાવાસ સ્થાપવાની તાજેતરમાં જાહેરાત કરી હતી.
ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિશ્રી જોઝે રામોઝોર્તાએ બેઠક બાદ જણાવ્યું હતું કે ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલ રાજ્યની ક્ષમતાઓનો લાભ મેળવવા તેમનું રાષ્ટ્ર ઉત્સુક છે.
ત્યાર બાદ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જાપાનનાં મિનિસ્ટ્રી ઓફ ઇકોનોમી, ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં ઇન્ટરનેશનલ અફેર્સનાં વાઇસ મિનિસ્ટર યુત હોસાકા શીન અને પ્રતિનિધિ મંડળ સાથે મહાત્મા મંદિરમાં બેઠક યોજી હતી.
મુખ્ય પ્રધાને વાતચીત દરમિયાન જાપાનમાં તાજેતરમાં આવેલાં ભૂકંપે જે સ્થિતિ સર્જી છે એ અંગે ચર્ચા કરી હતી, આપત્તિમાંથી જાપાન ઝડપથી બેઠું થઈ રહ્યું છે એ અંગે પ્રસંશા કરી હતી.
વાઇસ મિનિસ્ટર યુત હોસાકા સીને મુખ્ય પ્રધાનનો આ સંવેદના માટે આભાર માન્યો હતો. તેમણે વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી.
તેમણે જણાવ્યું કે ગુજરાતમાં સાડા ત્રણસોથી વધુ જાપાનીઝ કંપનીઝ કાર્યરત છે અને રાજ્ય સરકારનાં પ્રોએક્ટિવ અભિગમનો તેમને લાભ મળી રહ્યો છે. તેમની સાથે વાઇબ્રન્ટ સમિટનાં આ ડેલિગેશનમાં 70 જેટલી કંપનીઝ જોડાઈ છે. ગુજરાત સાથે સેમિકન્ડક્ટર, હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયા-ગ્રીન ગ્રોથ સેક્ટરમાં પાર્ટનરશિપ માટે જાપાન આયોજન બદ્ધ રીતે આગળ વધવા માંગે છે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાતે સેમિકન્ડક્ટર પોલિસી બનાવી છે તેમજ સાણંદમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર વિકસીત કરી રહ્યાં છીએ.
આ ઉપરાંત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નેધરલેન્ડની પોર્ટ ઓપરેટિંગ કંપની એપીએમ ટર્મિનલ્સના સીઈઓ કીથ સ્વેન્ડસેન સાથે બેઠક યોજી હતી.
મુખ્ય પ્રધાને મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત મેરીટાઇમ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને ભારત સહિત વિશ્વની ‘બ્લુ ઇકોનોમી’માં યોગદાન આપવામાં અગ્રણી તરીકે ઉભરી રહ્યું છે.
કંપનીના સીઈઓ કીથ સ્વેન્ડસેને મીટિંગ દરમિયાન પીપાવાવ પોર્ટ ખાતે કંપનીની કામગીરીના વિસ્તરણ અને અપગ્રેડેશન અંગે ચર્ચા કરી હતી.