ચેન્નઈમાં ૨જી નવેમ્બરે વાયબ્રન્ટ ગુજરાત રોડ શૉ યોજાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતગર્ત નવી દિલ્હીમાં કર્ટેન રેઇઝર કાર્યક્રમ અને ત્યારબાદ મુંબઈ, ચંદીગઢ, અને જાપાનમાં આયોજિત રોડ શો બાદ ગુજરાત સરકાર હવે ૨જી નવેમ્બર, ૨૦૨૩ના રોજ ચેન્નઈ ખાતે રોડ શો યોજાશે. ગુજરાતનાં નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ પ્રધાન કનુભાઈ દેસાઈ આ રોડ શોનું નેતૃત્વ કરશે.
કનુભાઈ દેસાઈ આ પ્રસંગે વાયબ્રન્ટ ગુજરાત સમિટની ૨૦ વર્ષની સફળતા, માનનીય વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ ૨૦૪૭ ના વિઝન અને તે વિઝનને સાકાર કરવા માટે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતની સજજતા અંગે પોતાના વિચારો રજૂ કરશે.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ૧૦મા સંસ્કરણની તૈયારીઓ હેઠળ દેશ-વિદેશના ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે વાતચીત કરવા અને તેમને જાન્યુઆરી ૨૦૨૪માં આયોજિત થઇ રહેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં આમંત્રિત કરવા માટે રાજ્ય સરકાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર રોડ શોનું આયોજન કરી રહી છે.
આ રોડ શોનો ઉદ્દેશ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૪ના માધ્યમથી ગુજરાતને ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ (ભવિષ્યનું પ્રવેશદ્વાર) તરીકે ઉજાગર કરવાનો છે. તેનાથી બિઝનેસો અને કંપનીઓને સાથે મળીને કામ કરવા અને સહયોગ માટે એક્સપ્લોર કરવાની તકોની સાથે-સાથે ગુજરાતમાં સ્થિત ગિફ્ટ સિટી, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન અને માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન જેવા ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા માટે પણ મદદ મળશે.
આ રોડ શોમાં હાજર રહેલા અગ્રણી ઉદ્યોગપતિઓ ગુજરાત અંગેના તેમના અનુભવોને પણ શેર કરશે. આ ઉપરાંત, રોડ શો દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, ગિફ્ટ સિટી અને ધોલેરા (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન પર એક ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મનું સ્ક્રિનિંગ પણ કરવામાં આવશે.