વાઈબ્રન્ટ ગુજરાતઃ ઈન્ડિયન ઈકોનોમી અંગે પીએમ મોદીએ કહી મોટી વાત, પણ
ગાંધીનગર: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગેરંટી આપી હતી કે આગામી ૧૦ વર્ષમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. ભારતના અર્થતંત્ર માટે આશાવાદી વલણ વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે દસ વર્ષ પહેલા ભારત દુનિયાની અગિયારમા નંબરની ઈકોનોમી હતી હવે પાંચમા નંબરની ઈકોનોમી બની ગઈ છે, હવે આગામી દસ વર્ષમાં ભારત ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બની જશે, દુનિયા ભલે ગમે એ તારણો કાઢે પણ આ મોદીની ગેરંટી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય અર્થતંત્રની સાથે આગામી લોકસભાની ચૂંટણી અંગે પણ પરોક્ષ રીતે મોટી વાત જણાવી હતી. નોંધનીય છે કે આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આગામી દસ વર્ષ માટે ગેરંટી આપીને વડા પ્રધાને ફરી આડકતરી રીતે લોકસભા ચૂંટણીમાં જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તેમણે વિદેશથી પધારેલા પ્રતિનિધિઓ અને ગ્લોબલ કંપનીઓના પદાધિકારીઓને ભારતમાં રોકાણ માટે આવકારતા કહ્યું હતું કે તમારા સપના એ મોદીનો સંકલ્પ છે, તમારા સપનાઓ જેટલા વિશાળ હશે મારો સંકલ્પ પણ એટલો જ મજબુત હશે.
તમે ભારતમાં ઇન્વેસ્ટ જ નથી કરતા તમે નવા ક્રિએટર્સનું નિર્માણ કરો છો, ભારતની વર્ષફોર્સમાં અકલ્પનીય પરિણામ આપવાની ક્ષમતા ધરાવે છે, ભારતમાં મહિલા વર્કફોર્સ સતત વધી રહી છે. ભારત ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટ અપ ઈકોનોમી તરીકે ઊભરી આવ્યું છે, ભારતમાં હાલ ૧.૧૫ લાખ રજિસ્ટર્ડ સ્ટાર્ટ અપ્સ છે. ભારત વિશ્વમિત્ર તરીકેની ભૂમિકા ભજવી રહ્યું છે, ભારત એક વિશ્વ, એક પરિવારની ભાવનામાં વિશ્વાસ ધરાવે છે.