વાયબ્રન્ટ ગુજરાતઃ દેશ-વિદેશના મહેમાનો માટે મેનૂકાર્ડમાં શું છે તે જાણો છો?
ગાંધીનગરઃ આમ તો ગુજરાતની પરંપરા છે કે મહેમાનોને ભાવતા ભોજન પિરસવામાં આવે, પણ ગુજરાતમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં વિદેશી મહેમાનોને ભાવતા ભોજનિયા મળશે પણ માંસાહારી ભોજન મળશે નહીં.
લગભગ 28 દેશના પ્રતિનિધિઓ આ સમિટમાં હાજરી આપવાના છે ત્યારે ગાંધીનગર ખાતે હાલ જોરશોરથી તૈયારી થઈ રહી છે. સમગ્ર સરકારી મશીનરી વાયબ્રન્ટની તૈયારીમાં લાગી ગઈ છે અને અધિકારીઓ પણ સજ્જ થઈ રહ્યા છે. ત્યારે અહીં આવીને ત્રણ દિવસ રહેતા મહેમાનોની આગતા સ્વાગતામાં કોઈ કચાશ ન રહી જાય તે જોવાની જવાબદારી પણ ગુજરાત સરકારની છે ત્યારે મળતી માહિતી અનુસાર વાયબ્રન્ટના મહેમાનો માટે તમામ શાકાહારી મિજબાની રાખવામાં આવી છે. જેમાં ગુજરાતી અને કાઠિયાવાડી વાનગીઓ વધારે પિરસાશે.
દેશવિદેશના મહાનુભાવોને ઢોકળા, ઢેબરા, ઉંધિયુ, મિલેટ પૂડલા, ફાફડા જલેબી, ખમણ, શીરો, ભાખરી, મુઠિયા ઉપરાંત અસલ કાઠિયાવાડી વાનગીઓ પિરસવામાં આવશે. સાથે સાથે બાજરી, રાગી, મકાઇ જેવા ધાન્યોના વ્યંજન પીરસી તેમને સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવશે. આ ઉપરાંત વિવિધ પ્રકારના ફ્રુટ, ફ્રેસ જયુસ ઉપરાંત ડેઝર્ટનો ય મહાનુભાવો સ્વાદ માણી શકશે. સાયન્સ સિટીની જેમ મહાત્મા મંદિરમાં રોબોટ મહેમાનોને ચા-પાણી આપી સ્વાગત કરશે તેવી શક્યતાઓ પણ છે.