VIBRANT GUJARAT: ઓસ્ટ્રેલિયાની ડિકીન યુનિવર્સિટી ગાંધીનગરમાં ખોલશે કેમ્પસ, પીએમ મોદી સાથે બેઠક બાદ થઇ જાહેરાત
ગાંધીનગર: ‘ગેટ વે ટુ ધી ફ્યુચર’ આ વખતની Vibrant Gujarat Global Summitની થીમ છે, અને આ વખતની સમિટ એટલા માટે ખાસ છે કારણકે વાઇબ્રન્ટ સમિટને શરૂ થયે 20 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. વર્ષ 2023માં તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ સમિટનો પાયો નાખ્યો હતો, અને ત્યારથી સતત રાજ્યમાં સમિટના આયોજનો થતા રહ્યા છે. આ વખતના સંસ્કરણમાં આ 20 વર્ષની સફળતાની ઉજવણી કરવામાં આવશે.
સાદા શબ્દોમાં સમજીએ તો ઓટોમોબાઇલ, ટેકનોલોજી, શિક્ષણ, સેમીકન્ડક્ટર, કૃષિ, તબીબીક્ષેત્ર જેવા અલગ અલગ ક્ષેત્રોમાં જે કંપનીઓ વૈશ્વિક સ્તરે પંકાયેલી છે તે તમામને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રિત કરવામાં આવે છે, જેથી તેઓ રાજ્ય સરકાર સાથે ચર્ચા કરી શકે, તેમજ ભારતમાં પણ રોકાણની તક વિશે જાણકારી મેળવી શકે. આ સમિટમાં કંપનીઓના સીઇઓ ઉપરાંત અલગ અલગ દેશોના નેતાઓ, રાજદૂતો સાથે પણ વિદેશનીતિને લગતી બેઠકો થાય છે. સંસ્કૃતિઓનું આદાનપ્રદાન થાય છે.
આજે પીએમ મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલી બેઠકમાં ઓસ્ટ્રેલિયાની ડેકિન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાથે બેઠક કરી હતી, જે પછી તેમણે જાહેરાત કરી છે કે ગિફ્ટ સિટી ખાતે તેઓ સાયબર સુરક્ષા તેમજ ટેકનિકલ શિક્ષણમાં ગુજરાતને સહયોગ આપવા અને વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયન એજ્યુકેશન મળી રહે તે માટે કેમ્પસ ખોલશે. રિસર્ચ, સ્કીલ્સ અને ટેકનોલોજીમાં ગુજરાતના વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયાની શિક્ષણ પ્રણાલીમાં ભણવાનો અનુભવ પ્રાપ્ત થઇ શકશે.
ડેકિન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ઇયાન માર્ટિને જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત મુજબ ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓમાં જે પ્રકારે કોર્સ ભણાવવામાં આવે છે, તે મુજબ અહીં ભણાવવામાં આવશે. વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયાની ડિગ્રી મળશે. સાઇબર સિક્યોરિટી અને બિઝનેસ એનાલિટીક્સ આ બંને ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓમાં નવા પ્રકારની સ્કીલ્સ ડેવલપ થશે.