૧૩૬ દેશોના ડેલિગેટ્સને વાઇબ્રન્ટ ભારત થાળી પિરસાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ત્રણ દિવસિય વાઇબ્રન્ટ સમિટમાં ૧૩૬ દેશોમાંથી ડેલિગેટ્સ આવી રહ્યા છે. આ દરમિયાન મહાત્મા મંદિરમાં તેમના ભોજનમાં નોનવેજની એક પણ ખાદ્યસામગ્રી પિરસવામાં આવશે નહી. ગોલ્ડન કાર્ડ ધરાવતા ડેલિગેટ્સ માટે રાજ્ય સરકારે રૂપિયા ચાર હજાર આસપાસના ખર્ચે શાકાહારી પ્લેટ નક્કી કરી છે. જેને ‘વાઇબ્રન્ટ ભારત થાળી’ એવું નામ આપવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરમાં તા.૧૦મી જાન્યુઆરીએ સમિટના ઉદ્ઘાટન બાદ પહેલા દિવસની બપોરે લંચમાં ‘ટેસ્ટ ઓફ ભારત’ નામે ડેલિગેટ્સ અને આમંત્રિતોને શાકાહારી ભોજન પિરસવામાં આવશે. સાંજે ’ટેસ્ટ ઓફ ગુજરાત’ નામે તૈયાર થનારી થાળીમાં ખીચડી- કઢીનો સામેવશ કરવામાં આવ્યો છે. બીજા દિવસે તા.૧૧મી જાન્યુઆરીએ બપોરે લંચમાં ‘ટેસ્ટ ઓફ મિલેટ્સ’માં બાજરી, બંટી, જુવાર, મકાઈ, રાગી સહિતના જાડા ધાનમાંથી તૈયાર થતી વાનગી પિરસવામાં આવશે. એ જ દિવસની સાંજે કલ્ચરલ પ્રોગ્રામની સાથે ડિનરનું આયોજન કરાયું છે. જ્યારે છેલ્લા દિવસે તા.૧૨મી જાન્યુઆરીએ ‘ટેસ્ટ ઓફ કાઠિયાવાડ’ લંચમાં રિંગણાનો ઓળો અને બાજરીના રોટલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ, સમિટમાં ત્રણ દિવસમાં કુલ પાંચ વખત મહાત્મા મંદિરમાં આમંત્રિતોને ભોજનની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.