Flower Show: અમદાવાદ આજથી મઘમઘશેઃ ફ્લાવર શૉની શરૂઆત
અમદાવાદઃ રાજ્યભરના લોકો અને ખાસ કરીને અમદાવાદીઓ માટે ખાસ આકર્ષણ એવા ફ્લાવર શૉનો આજથી આરંભ થયો છે. આ શૉની 11મી આવૃત્તિ છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ શૉનું ઉદ્ધાટન કર્યું છે. અમદાવાદના જાણીતા એવા રિવર ફ્રન્ટમાં કરવામાં આવેલા આ સુંદર એવા ફલાવર શૉમાં આ વખતે ઘણા નવા આકર્ષણો મૂકાયા છે, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે મૂકાયેલી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુની પ્રતિકૃતિએ ભારે આકર્ષણ જમાવ્યું છે. અહીં મુલાકાતીઓ માટે નદીની બંને બાજુ 10 પાર્કિંગ પ્લોટ નક્કી કરાયા છે.
ફ્લાવર શોની ટિકિટ સોમથી શુક્ર રૂ.50 અને શનિ-રવિ રૂ.75 છે, પરંતુ પૂર્વ તરફથી આવનારાએ અટલબ્રિજની ટિકિટ પેટે નિયત દર ઉપરાંત રૂ.30 વધારે આપવા પડશે. તેમજ શાળાના બાળકો કોઈ ફી રાખવામાં આવી નથી. આ વર્ષે આ ફ્લાવર શૉમાં 7 લાખથી વધુ રોપા દ્વારા 400 મીટર લાંબુ ફ્લાવર શોનું સ્ટ્રકચર બનાવવામાં આવ્યું છે. જેમાં ફ્લાવર શો પરિસરમાં 8 નર્સરીના સ્ટોલ શરૂ કરવામાં આવશે. આ સ્ટોલ પરથી લોકો ફૂલછોડ, ખાતર તેમજ બાગાયતને લગતી સામગ્રીની ખરીદી કરી શકશે. આ શૉ સવારે નવથી રાત્રે નવ વાગ્યા સુધી એમ બાર કલાક મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે.
ફ્લાવર શૉના પ્રવેશદ્વારા પર વડનગરના તોરણની પ્રતિકૃતિનું આકર્ષક છે. આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાત, નવું સંસદભવન, કાર્ટૂન કેરેક્ટર, મોઢેરા સૂર્યમંદિર, પવન ચક્કી, સાતઘોડા, ચંદ્રયાન, મહિલા સશક્તીકરણ તેમજ ઓલિમ્પિકની વિવિધ થીમ અને પ્રતિકૃતિ જોવા મળશે. ફૂલોથી બનાવેલી પ્રતિકૃતિ ઉપરાંત ફ્લાવર બેડ સાથે જુદા જુદા લેન્ડ સ્કેપ રાબેતા મુજબના હશે જ.