
અમદાવાદઃ ગુજરાતમાં વાહનોની સંખ્યા વધવાની સાથે અકસ્માતની સંખ્યામાં પણ ચોંકાવનારી રીતે વધારો થઈ રહ્યો છે. અકસ્માતની સંખ્યા ઘટાડવા સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવે છે તેમ છતાં કોઈ અસર થઈ ન હોય તેમ લાગે છે. રાજ્યનો શહેરી વિકાસ વિભાગ શહેરના રસ્તાઓ માટે ગતિ મર્યાદાને અંતિમ રૂપ આપી રહ્યો છે. રાજ્યમાં એક દાયકામાં માર્ગ અકસ્માતોમાં 75,738 લોકોના જીવ ગયા છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, ગીચ રસ્તાઓ પર મહત્તમ સ્પીડ 30 કિમી પ્રતિ કલાક સુધી કરવામાં આવશે, જ્યારે પહોળા માર્ગો પર 45-60 કિમી પ્રતિ કલાક સુધીની સ્પીડ મર્યાદા રહેશે.
ગુજરાત દેશમાં આઠમા ક્રમે
આ પહેલ ડિસેમ્બર 2024માં સંસદમાં રજૂ કરાયેલા કેન્દ્ર સરકારના ડેટા અનુસાર કરવામાં આવી હતી. જે મુજબ 2013 થી 2022 ની વચ્ચે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યાના આધારે ગુજરાત દેશમાં આઠમા ક્રમે હતું. શહેરી વિભાગના અધિકારીઓ શહેરી માર્ગ સલામતીને પ્રાધાન્ય આપવા માટે જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રૂલ્સમાં સુધારો કરી રહ્યા છે. નવું માળખું રસ્તાની પહોળાઈ, ટ્રાફિકની ગીચતા અને દિવસભરના સમયગાળાના આધારે ઝડપ મર્યાદા નક્કી કરશે.
કેટલી છે સ્પીડ લિમિટ?
2022માં રાજ્ય સરકારે વિવિધ પ્રકારના વાહનો માટે સ્પીડ લિમિટ નક્કી કરી હતી. જે મુજબ શહેરની હદમાં કારની સ્પીડ 70 કિમી પ્રતિ કલાકથી વધુ ન હોઈ શકે. 100 સીસીથી વધુ ડિસ્પ્લેસમેન્ટવાળી મોટરસાયકલ માટેની મર્યાદા 60 કિમી પ્રતિ કલાક અને 100 સીસીથી ઓછી ડિસ્પ્લેસમેન્ટવાળી મોટરસાયકલ માટે 50 કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવી હતી. એક્સપ્રેસ વે પર કાર માટેની સ્પીડ લિમિટ 120 કિમી પ્રતિ કલાક હતી, ડિવાઈડરવાળા અને ચાર કે તેથી વધુ લેનવાળા હાઈવે પર 100 કિમી પ્રતિ કલાક હતી અને સ્ટેટ હાઈવે પર 80 કિમી પ્રતિ કલાક હતી.
સ્પીડ લિમિટથી શું થશે લાભ
શહેરી વિકાસ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, શહેરોમાં સ્પીડ લિમિટ માર્ગ સલામતી સુનિશ્ચિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેમાં વધુ ઝડપ ગંભીર અકસ્માતોનું જોખમ નોંધપાત્ર રીતે વધારે છે. 80 કિમી પ્રતિ કલાકની ઝડપે, અકસ્માતમાં મૃત્યુની સંભાવના 30 કિમી પ્રતિ કલાકની સરખામણીમાં 20 ગણી વધારે હોય છે.
પ્રસ્તાવિત સિસ્ટમ આંતરરાષ્ટ્રીય મોડલને અનુસરશે. જ્યાં રહેણાંક અને વધુ ટ્રાફિકવાળા વિસ્તારોમાં રાહદારીઓ અને સાયકલ સવારોને સુરક્ષિત રાખવા માટે 30 કિમી પ્રતિ કલાકની મર્યાદા લાગુ કરવામાં આવે છે. મુખ્ય માર્ગો અને હાઈવે સલામતીના માપદંડો જાળવી રાખવામાં આવશે. સૂત્રોના કહેવા પ્રમાણે, રાજ્યનો શહેરી વિકાસ વિભાગ તમામ શહેરો માટે આ પદ્ધતિની જાહેરાત કરતા પહેલા અમલીકરણની અસરનું વિશ્લેષણ કરશે.