રિવરફ્રન્ટ વેસ્ટમાં ખાણીપીણીના સ્ટોલ ખૂલશે પણ માત્ર વેજિટેરિયન

અમદાવાદઃ શહેરનું સૌથી સુંદર અને લોકપ્રિય પર્યટન સ્થળ રિવરફ્રન્ટ એક યા બીજી વાતે ચર્ચમાં રહેતું હોય છે. ધ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા હવે રિવરફ્રન્ટ પશ્ચિમી ભાગમાં ખાણીપીણીના સ્ટોલ ઊભા કરવા માટે ટેન્ડરો મંગાવવામાં આવ્યા છે. આઠ અલગ અલગ જગ્યાએ ઊભા કરવામાં આવતા આ સ્ટોલમાં માત્ર વેજિટેરિયન ફૂડ વેચવાની જ પરવાનગી આપવામાં આવી હોવાનું એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે. ટેન્ડર માટે થયેલા બિડિંગના 23મા નિયમમાં ખાસ લખવામાં આવ્યું છે કે આ સ્ટોલનો ઉપયોગ નૉન-વેજ ફૂડ, ઈંડા, તમાકુ વગેરે વેચવા માટે કરવામાં ન આવે. જો નિયમોનો ભંગ થશે તો લાયસન્સ રદ કરવામાં આવશે અને ડિપોઝિટ પાછી આપવામાં આવશે નહીં. અગાઉ એક વર્ષ પહેલા રિવરફ્રન્ડના પૂર્વીય વિસ્તારમાં પણ આવા જ પ્રતિબંધો લગાડવામાં આવ્યા હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર આઠ જગ્યાએ ફૂડ સ્ટોલ ઊભા કરવાની પરવાનગી આપવામાં આવશે, જે દરેક 220 સ્કેવરમીટરની જગ્યામાં રહશે અને તેઓ માત્ર નાસ્તો અને ઠંડા કે ગરમ પીણાં જ આપી શકશે.
તાજેતરમાં બહાર પાડેલા ટેન્ડર અનુસાર ફૂડ સ્ટોલને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે, જેમાં ઓછામાં ઓછું ભાડુ રૂ. 2.40 લાખ (માસિક) છે. 14મી ડિસેમ્બરે બિડિંગ થશે અને સૌથી ઊંચા ભાવે બિડિંગ કરનારાને કોન્ટ્રાક્ટ મળશે, તેમ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ત્રણ વર્ષ માટે આ કોન્ટ્રાક્ટ મળશે, તેમ પણ જાણવા મળ્યું છે.