સળગતું શાકભાજીઃ વરસાદે ગરમીથી આપ્યો છૂટકારો પણ મોંઘવારીથી પરસેવો વળી ગયો

અમદાવાદ: વરસાદ વરસતા જ આવનારું વર્ષ સારું જશે તેવી ખેડૂતો સહિત સૌને આશા બંધાઈ છે. ગુજરાતમાં સર્વત્ર વરસાદ છે અને સિઝનનો જરૂરી વરસાદ વરસી ગયો છે, પરંતુ શાકભાજીની આવક ઓછી થતાં ભાવ આસમાને ચડ્યા છે. એકપણ શાક કિલોએ રૂ.100 કરતા નીચે નથી. ટમેટાં, આદુ વગેરેએ તો 150થી 200નો આંક વટાવ્યો છે. આથી વરસાદ આવતા વાતાવરણની ગરમી ભલે ઓછી થઈ હોય પણ મોંઘવારીએ જાહેર જનતાને પરસેવે રેબઝેબ કરી નાખી છે.
અમદાવાદની વાત કરીએ તો જમાલપુર ખાતેની માર્કેટમાં જ પાંચેક હજાર ટન જેટલું શાકભાજી ઓછું આવ્યું છે. હૉલસેલમાં શાકનો ભાવ રૂ. 80થી 120 જેવો છે જે લોકોની થાળીમાં આવતા રૂ. 100થી 180નો થઈ જાય છે.
આ અંગે સંબંધિત વેપારીઓ એવું કારણ આપવામાં આવે છે કે ખેતરોમાં પાણી ભરાયા છે તેમ જ વાહન વ્યવહારને પણ અસર થઈ છે આથી થોડા સમય માટે ભાવમાં વધારો રહેશે.
જોકે માત્ર શાકભાજી જ નહીં દાળ, અનાજ વગેરેનો ભાવ પણ આસમાને છે આથી આખા વર્ષ માટે સામાન્ય જનતાએ મોંઘવારીનો માર સહન કરવાનો રહે છે.