વાવ બેઠક પર 13 નવેમ્બરે મતદાન: જ્યાં ભાજપ હાર્યું ત્યાં હવે કોને ટિકિટ? આ નામની છે ચર્ચા!
ગાંધીનગર: આજે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આ સાથે જ ગુજરાતની વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે પત્રકાર પરિષદ સંબોધીને ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાશે, જ્યારે ઝારખંડમાં પ્રથમ તબક્કાનું મતદાન 13 નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરે થવાનું છે. જ્યારે 23 નવેમ્બરના રોજ મતગણતરી થશે.
13 તારીખે થશે મતદાન:
વાવ વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચે કરી છે. આગામી 13 નવેમ્બરના રોજ વાવ વિધાનસભા બેઠક માટે મતદાન યોજાશે, જ્યારે 23 નવેમ્બરના મતદાનનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર વર્ષ 2017થી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. 2012 ના વર્ષે પણ તેમણે ઉમેદવારી નોંધાવી હતી પરંતુ પરાજય થયો હતો, ત્યારબાદ વર્ષ 2017 માં પ્રથમ વખત તેઓ ધારાસભ્ય તરીક ચૂંટાયા હતા. બાદમાં 2022 માં પણ ચૂંટાયા હતા.
2024ની લોકસભાની ચૂંટણીમાં વાવ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને કોંગ્રેસે બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. અને તેઓ આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. આથી તેમણે વાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. આથી આ બેઠક ખાલી પડી હતી. આથી વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની જાહેરાત આજે ઝારખંડ અને મહારાષ્ટ્રની ચૂંટણીની તારીખોની સાથે કરવામાં આવી છે.
કોનું નામ છે ચર્ચામાં?
જો કે ગેનીબેન સાંસદ બન્યા ત્યારથી જ આ બેઠકને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ગેનીબેન કોંગ્રેસના દિગ્ગજ નેતા છે અને હવે તેમના બાદ કોંગ્રેસ આ બેઠક પરથી જાતિગત સમીકરણોના આધારે ઉમેદવારના નામ પર પસંદગીનો કળશ ઢોળે તેમ માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ આ બેઠક પરથી થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી શકે છે. આ ઉપરાંત છેલ્લા ચારેક દાયકાઓથી રાજકારણમાં સક્રિય રહેલા કે.પી ગઢવીનું પણ નામ ઉમેદવારની યાદીમાં ચર્ચાઇ રહ્યું છે. તે સિવાય વાવ તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રહી ચૂકેલા ઠાકરશી રબારીના નામની પણ ચર્ચા છે.