વાવ રૂપી ‘માછલીની આંખ વિંધવા’ ભાજપે સોંપી આ ‘અર્જુન’ ને જવાબદારી…
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી વાવ વિધાનસભાની બેઠક જીતવા ભારતીય જનતા પાર્ટીએ મહેમદાવાદ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂવ મંત્રી અર્જુનસિંહ ચૌહાણને પ્રભારી બનાવ્યા છે. એક ફોર્મ્યુલા મુજબ બનાસકાંઠાના સાંસદ ગેની બહેન પોતાની પસંદગીનો કળશ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પર ઢોળે, અને કોંગ્રેસ મોવડી મંડળ તેને સ્વીકારી લે તેવા ઉજળા સંજોગો જોતાં આ બેઠક પર ઠાકોર-કે ચૌધરીને બદલે ક્ષત્રિય નેતાને પ્રભારી બનાવાયા છે. અર્જુનસિંહ છેલ્લા વીસ વર્ષથી RSS સાથે જોડાયેલા છે. તેઓ વર્ષ 2016-17માં જિલ્લા મહામંત્રી તરીકે રહી ચૂક્યા છે. ત્રણ વર્ષ પહેલા ભુપેન્દ્ર પટેલ સરકારમાં ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી તરીકે પદભાર સંભાળી ચૂક્યા છે. મહેમદાવાદના વાંઠવાળી ગામના 44 વર્ષીય અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ વર્ષ 2017માં પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લડ્યા હતા.
આ પણ વાંચો : વાવ બેઠક પર ત્રિપાંખિયો જંગ કે બીજું કંઈ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન તૂટશે?
ગુજરાતમાથી લોકસભાના એક માત્ર કોંગ્રેસી સાંસદ ગેની બહેન ઠાકોર વાવ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસનાં ધારાસભ્ય હતા.તેઓ લોકસભામાં બનાસકાંઠા બેઠક પરથી વિજેતા થતાં આ બેઠક ખાલી પડી હતી. આ બેઠક પર 13 નવેમ્બરે ચૂંટણી થશે. સાંસદ ગેની બહેને આજે કહ્યું કે, વાવ વિધાનસભા બેઠક પર આ વખતે ઠાકોર જ્ઞાતીના ઉમેદવારને ટિકિટ આપવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે ગુલાબસિંહ રાજપૂત થરાદ બેઠક પર વિધાનસભાના હાલના અધ્યક્ષ શંકર ચૌધરી સામે હારી ગયા હતા. વાવ વિધાનસભા બેઠક પર તેઓ હોટ ફેવરિટ ગણાય છે. બીજું પણ એક ફેક્ટર છી કે ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ ક્ષત્રિય છે. એટલે જ્ઞાતી-જાતિના સમીકરણ બેસાડતા અને ગુલાબસિંહનું વિસ્તારમાં પ્રભુત્વ જોતાં કોંગ્રેસ તેમના પર જ પસંદગીનો કળશ ઢોળે તો નવાઈ નહીં. બાકી દલિત સમુદાયના મતદારોને રીઝવવા કોંગ્રેસનો તુરૂપનો એક્કો કહી શકાય તેવા જિગ્નેશ મેવાણી તો છે જ.
આ પણ વાંચો : વાવ વિધાનસભા પેટા ચૂંટણી ઠાકોર V/s ચૌધરી – કેવી રીતે સાબિત થશે બનાસના કંકર-કંકરમાં શંકર?
ઠાકોર-ચૌધરી અને રબારી સમાજનું પ્રભુત્વ ધરાવતી વાવ બેઠક પર જીત મેળવી કોંગ્રેસનાં ગઢમાં ગાબડું પાડી, 2027ની વિધાનસભાની ચૂંટણીમા એક નવી ‘વોટ બેન્ક’ ભાજપ તરફી ઊભી કરવા પાર્ટીએ કમર કસી હોય તેમ, 1 પ્રભારી અર્જુનસિંહ ચૌહાણ જેઓ મહેમદાવાદના ધારાસભ્ય હોવા ઉપરાંત રાજ્ય સરકારના પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે તેમની નિમણૂક કરી દીધી છે. સાથોસાથ ત્રણ નિરીક્ષક જેમાં પાર્ટીના મુખ્ય પ્રવકતા યમલ વ્યાસ, ધારાસભ્ય દર્શના બહેન વાઘેલા અને જનક બગદાણાનો સમાવેશ થાય છે. વાવ વિધાનસભા કોંગ્રેસનો ગઢ રહ્યો હોય, ભાજપ માટે ‘રાત થોડી અને વેશ ઝાઝા’ જેવો ઘાટ હોવાથી તત્કાળ અસરથી પાર્ટીના કાર્યકરો વાવ ખોદી નાખવા કામે લાગી ગયા છે.