Vav Bypoll : કોંગ્રેસે બેઠક જીતવા અપનાવી રણનીતિ, આ ઉમેદવારને આપી ટિકિટ

અમદાવાદ : ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણીમાં(Vav Bypoll) આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. કોંગ્રેસે આખરે આ બેઠક પરથી ઉમેદવાર તરીકે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતના નામની જાહેરાત કરી છે. જ્યારે વિજય મુહૂર્તમાં ગુલાબસિંહ ઉમેદવારી નોંધાવશે. આ બેઠક કોંગ્રેસ નેતા અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠાથી સાંસદ બનતા બેઠક ખાલી પડી છે. કોંગ્રેસ આ બેઠક જીતવાની રણનીતિના ભાગરૂપે ગુલાબસિંહ રાજપૂત પર પસંદગી ઉતારી છે.
કોંગ્રેસ-AAP વચ્ચે ગઠબંધન
આ ઉપરાંત મળતી માહિતી મુજબ વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાનો ઉમેદવાર નહીં ઉતારે. પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થશે.કોંગ્રેસના ઉમેદવારને AAP સમર્થન આપશે.
Also Read – વાવ બેઠક પર ઉમેદવારોના નામ પર હજુ સસ્પેન્સ: ઉમેદવારી નોંધાવવાનો કાલે છેલ્લો દિવસ
કોણ છે ગુલાબસિંહ રાજપૂત ?
ગુલાબસિંહ રાજપૂત થરાદના પૂર્વ ધારાસભ્ય છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં થરાદ બેઠક પરથી બીજીવાર ચૂંટણી લડ્યાં હતા જો કે જીતી શક્યા ન હતા. તેમણે ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીને ટક્કર આપી હતી. તેમના દાદા હેમાબા વાવ-થરાદ વિધાનસભાના ધારાસભ્ય રહી ચુક્યા છે. ગુલાબસિંહ થરાદ વાવ અને થરાદ વિધાનસભાના ગામે ગામથી વાકેફ છે. વાવ બેઠક પર પણ સારી પકડ ધરાવે છે. ગુલાબસિંહે તેમના કાર્યકાળમાં લોકો માટે લડાયક ધારાસભ્ય તરીકેની છાપ છોડી હતી.