વંદે મેટ્રો ટ્રેનના મહિલા કોચમાં પુરુષો ઘૂસી આવ્યા, મારપીટનો બનાવ
ભુજ: ભુજ-અમદાવાદ વચ્ચે તાજેતરમાં વાજતે-ગાજતે શરૂ કરવામાં આવેલી હાઈસ્પીડ નમો વંદે ભારત રેપીડ ટ્રેનમા ટિકિટ ચેકર અને આરપીએફના સુરક્ષા કર્મચારીઓની ગેરહાજરીના કારણે મુસાફરો વચ્ચે થતા રહેતા ઘર્ષણના બનાવો ચિંતાજનક સ્તરે વધી રહ્યા છે તેમાં હળવદ નજીક મહિલાઓના અનામત કોચમાં કેટલાક પુરુષો ઘૂસી આવ્યા હતા. જોકે, પ્રવાસીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટના સામે આવતા ચકચાર પ્રસરી છે.
આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગત સોમવારે આ હાઈસ્પીડ ટ્રેન અમદાવાદથી પરત ભુજ આવી રહી હતી ત્યારે મહિલા માટેના રિઝર્વ કોચમાં પુરુષ મુસાફરો બેઠા હોઇ કોઈએ આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ)ને જાણ કરતા સામખીયાળી સ્ટેશને આરપીએફ કર્મચારીએ પુરુષ મુસાફરોને અન્ય કોચમાં જવાનું કહેતા ઉગ્ર બોલાચાલી થઈ હતી.
પ્રીમિયમ ટ્રેનની સેવામાં પ્રવાસીઓની સુરક્ષા અને સલામતી મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા હતા. જોકે, આ ઘટનાને પગલે દોડતા થયેલા રેલ તંત્રએ કોચમાં ટિકિટ ચેકર (ટીસી) અને સુરક્ષા કર્મચારી રાખવા બાબતે સંબધિતોને સૂચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો : Kutch Rann Utsav 2024: પશ્ચિમ રેલવે ભુજ માટે ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે, જાણો તારીખ અને સમય
અત્રે ઉલ્લેખનીય છે કે ઇમરજન્સી વખતે રેલ હેલ્પલાઇન નંબર ૧૩૯ પર સંપર્ક અથવા ઓનલાઇન ફરિયાદ કરી શકાય છે. કોચમા પણ ઇમરજન્સી સંપર્ક માટે બટન રાખેલા છે જેને દબાવી પાયલોટ સાથે વાત કરી શકાય છે.