વંદે ભારતે ભુજથી ગાંધીનગરનું અંતર કાપ્યું પાંચ કલાકમાં, પણ આ ટ્રેન કચ્છને મળશે કે નહીં?
ભુજઃ દેશના અન્ય મથકો સાથે કનેક્ટિવિટીના મામલામાં હજુ પાછળ રહેલાં કચ્છને અમદાવાદ-ગાંધીનગર સાથે વંદે ભારત શ્રેણીની દેશની પહેલી મેટ્રો ટ્રેનને શરૂ કરવાની શક્યતાઓ વચ્ચે અમદાવાદ ભુજ વચ્ચે આ મેટ્રો ટ્રેનની વીજળીક ટ્રાયલ લેવામાં આવતાં કચ્છને વંદે મેટ્રોની સેવા મળવાની આશા વધુ પ્રબળ બની છે.
ગાંધીધામના ચીફ લોકો ઈન્સ્પેક્ટર આર.બી. કશ્યપે જણાવ્યું હતું કે, પ્રતિ કલાકે ૧૧૦ કિલોમીટરની ઝડપે લેવામાં આવેલી ટ્રાયલમાં અમદાવાદથી ગાંધીધામ ચાર કલાકમાં અને ગાંધીધામથી ભુજ એક કલાકમાં મેટ્રો ટ્રેન પહોંચી ગઈ હતી.
હાલ ગાંધીનગરથી ભુજ વચ્ચે દોડતી ટ્રેન અમદાવાદથી ભુજ પહોંચવામાં ૬.૩૦ કલાકનો સમય લે છે તેની તુલનાએ આ ટ્રેન મુસાફરોને દોઢ કલાક વહેલી પહોંચાડશે.
આ ટ્રેન સંપૂર્ણ વાતાનુકુલિત છે. તેમાં ઑટોમેટિક ડૉર, એલઈડી ડિસ્પ્લે, ટોઈલેટ, ડિજીટલ રૂટ ઈન્ડિકેટર, વિશાળ પેનોરેમિક વ્યૂ આપતી બારી જેવી સુવિધાઓ છે. પ્રત્યેક કોચમાં ૧૦૦ પ્રવાસી પ્રવાસ કરી શકશે.
આ ફક્ત એક ટ્રાયલ રન હતી અને આ મેટ્રો ટ્રેન કચ્છને ફાળવવામાં આવશે કે કેમ તે અંગે હાલ કશી ખાતરી આપી શકાય તેમ નથી તેવું આર.બી. કશ્યપે ઉમેર્યું હતું.
દરમ્યાન, આ ટ્રાયલ અંગેનો રીપોર્ટ રેલવેના રીસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડઝ ઓર્ગેનાઈઝેશનને સુપ્રત કરવામાં આવશે.ત્યાંથી ગ્રીન સિગ્નલ મળ્યાં બાદ રેલવે ડિવિઝન આ ટ્રેનને રાજ્યના કયા રૂટ પર દોડાવવી તેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે તેમ રેલવેના જનસંપર્ક અધિકારીપાસેથી જાણવા મળ્યું હતું.
Also Read –