૩૧ ડિસેમ્બર પહેલા વલસાડ પોલીસ એલર્ટ મોડ પર
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ૩૧ ડિસેમ્બરની ઉજવણીને લઈ વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર છે. દારૂની છૂટ ધરાવતા સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રની બોર્ડર પર પોલીસ પહેરો અત્યારથી જ ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યાં રાત દિવસ પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણ, દાદર નગર હવેલી અને મહારાષ્ટ્રમાં દારૂની છૂટ છે. આથી થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મોટી સંખ્યામાં શોખીનો દારૂની છૂટ ધરાવતા પ્રદેશોમાં જઈ અને ખાવાપીવાની પાર્ટી માણી અને નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશ કરે છે. જેના કારણે અનેક વખત અકસ્માતો સર્જાય છે. આ દિવસો દરમિયાન દારૂના ધંધામાં મોટી કમાણી હોવાથી બુટલેગરો પણ અવનવા તરકીબ અજમાવી અને ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયાસ કરે છે. ૩૧મી ડીસેમ્બર દરમ્યાન રાજ્યમાં દારૂની રેલમછેલ રોકવા વલસાડ જિલ્લાની હદ પર પોલીસ એલર્ટ પર મોડ પર જોવા મળી છે. જિલ્લામાં દારૂની છૂટ ધરાવતા બંને પ્રદેશો અને મહારાષ્ટ્રમાં પ્રવેશતા માર્ગો પર કુલ ૧૮ કાયમી ચેકપોસ્ટો છે. જ્યાં આખું વર્ષ પોલીસ ટીમો તૈનાત રહે છે. જોકે થર્ટી ફર્સ્ટને કારણે પોલીસ વધુ કડક કાર્યવાહી કરે છે અને અંતરીયાલ વિસ્તારોમાં પણ નાના અને મોટા તમામ રસ્તાઓ પર પોલીસનું આવી જ રીતે ચેકપોસ્ટો પર ચેકિંગ કરવામાં આવે છે. આ વખતે ૩૧ ડિસેમ્બરને કારણે ૨૦ જેટલી હંગામી ચેકપોસ્ટો ઊભી કરવામાં આવી છે. આમ થર્ટી ફર્સ્ટ નિમિત્તે વલસાડ જિલ્લાના કાયમી અને હંગામી મળી કુલ ૩૮ ચેકપોસ્ટો પર ૨૪ કલાક પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અડધી રાત્રે પણ પોલીસ દ્વારા ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ડાભેલ ચેકપોસ્ટ પર ગુજરાત પોલીસના જવાનો સતર્ક હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષની વાત કરીએ તો થર્ટી ફર્સ્ટના દિવસે વલસાડ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં મળી ૨૦૦૦થી વધુ શોખીનો નશાની હાલતમાં ઝડપાયા હતા. તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.